વૃંદાવન સ્થિત પૂજ્ય પ્રેમાનંદ મહારાજના કેલીકુંજ આશ્રમ સાથે જોડાયેલા તાજેતરના વિવાદો વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર લાગેલા સનસનાટીભર્યા આક્ષેપોને તેની ટીમે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. આશ્રમના એક શિષ્યના શંકાસ્પદ મોતના બનાવ બાદ ઊભા થયેલા વિવાદમાં એવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી રૂપિયા પાંચ કરોડ ફી લઈને આશ્રમની મુલાકાતે ગયો હતો. આ નિરાધાર દાવાઓ સામે હવે વિરાટ કોહલીના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને તમામ અફવાઓ અને ખોટા પ્રચારોનું સ્પષ્ટ ખંડન કર્યું છે.
વિરાટ કોહલી તરફથી જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ તમામ આક્ષેપો સંપૂર્ણપણે અસત્ય, ભ્રામક અને તથ્યવિહીન છે. પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજ પ્રત્યે પોતાની અંગત શ્રદ્ધા, આદર અને અતૂટ આસ્થાના કારણે જ ત્યાં દર્શનાર્થે જાય છે. આ મુલાકાત પાછળ કોઈપણ પ્રકારની વ્યાવસાયિક લેવડદેવડ કે નાણાકીય હિત સંકળાયેલું નથી. આ સાથે જ કોહલીની ટીમે તમામ માધ્યમોને અપીલ કરી છે કે આવી અફવાઓ કે પાયાવિહોણા નિવેદનોને સત્યતા ચકાસ્યા વિના પ્રસારિત કરવા નહીં અને જવાબદારીપૂર્વક પત્રકારત્વનું પાલન કરવું.
ઉલ્લેખનીય છે કે, એક ધાર્મિક સંગઠનના અગ્રણી દિનેશ શર્મા ઉર્ફે ફલાહારી મહારાજે એવો ચોંકાવનારો દાવો કર્યો હતો કે રાજસ્થાનની એક ખાનગી કંપની અને બિલ્ડર જૂથે વિરાટ કોહલીને આશ્રમમાં લાવવા માટે આ મોટી રકમ ચૂકવી હતી. જોકે, હકીકત એ છે કે વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરી ૨૦૨૩માં પ્રથમ વખત મહારાજજીના આશીર્વાદ લેવા વૃંદાવન પહોંચ્યા હતા અને ત્યારથી તેઓ અવારનવાર સત્સંગ તેમજ આધ્યાત્મિક શાંતિ માટે અહીં આવે છે. આશ્રમના વિવાદમાં જાણીજોઈને ભારતીય ક્રિકેટરનું નામ ઢસડવાનો પ્રયાસ થતાં આખરે સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.
