અમેરિકી સરકારી માળખાને નિશાન બનાવીને સતત કરવામાં આવી રહેલા સાયબર હુમલાઓની શ્રેણીમાં વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમેરિકી એરફોર્સનું અત્યંત મહત્વનું 'ક્લાઉડ વન' પ્લેટફોર્મ હેક થયું હોવાના અહેવાલ છે. માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ઓરેકલ જેવી દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ દ્વારા સંચાલિત આ પ્લેટફોર્મ લશ્કરી કર્મચારીઓનો ડેટા, પેમેન્ટ, લોજિસ્ટિક્સ અને મિલિટરી મેન્ટેનન્સ જેવી નાજુક એપ્લિકેશન્સનું સંચાલન કરે છે. સિસ્ટમને અપગ્રેડ કરવાની કામગીરી દરમિયાન આ ભંગ પકડાયો હતો, જેના કારણે એરફોર્સના કર્મચારીઓ માટે સોફ્ટવેરની ગંભીર ખામીઓને સુધારવાનું મુશ્કેલ બન્યું હતું. આ હુમલો કોણે કર્યો અને કેટલો ડેટા ચોરાયો છે તે હજુ અંકબંધ રહસ્ય છે, પરંતુ તેણે અમેરિકી સુરક્ષા એજન્સીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં અમેરિકી ફેડરલ સિસ્ટમ્સ અને ડેટાબેઝ પર ઓછામાં ઓછા આઠ સાયબર હુમલાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં એફબીઆઈ, સીઆઈએ, પેન્ટાગોન, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને હોમલેન્ડ સિક્યોરિટી જેવી સર્વોચ્ચ સંસ્થાઓ પણ પ્રભાવિત થઈ છે. અગાઉ પેન્ટાગોનના કર્મચારી ડેટાબેઝમાં થયેલા ભંગને કારણે લાખો લોકોના સોશિયલ સિક્યોરિટી નંબર અને નોકરીની વિગતો જોખમમાં મુકાઈ હતી. વળી, હોમલેન્ડ સિક્યોરિટીના ૪૦,૦૦૦થી વધુ કર્મચારીઓની ખાનગી માહિતી પણ લીક થઈ છે, જેમાં સર્વેલન્સ અને અંડરકવર ઓપરેશન સાથે સંકળાયેલા અધિકારીઓની વિગતો પણ સામેલ છે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.
અમેરિકી સરકારની આંતરિક સુરક્ષા પ્રણાલીમાં વારંવાર થઈ રહેલા આ ગાબડાઓએ સાયબર સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે. ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટ નેટવર્ક (FinCEN) અને કૃષિ વિભાગના પેમેન્ટ સિસ્ટમ પર પણ હેકર્સો દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, જે સંભવિતપણે વધુ સંવેદનશીલ ડેટા સુધી પહોંચવાનો રસ્તો ખોલી શકે છે. આ સતત બની રહેલી ઘટનાઓ દર્શાવે છે કે આધુનિક યુગમાં ડિજિટલ યુદ્ધ અને સાયબર જાસૂસી એ કોઈપણ દેશની અખંડિતતા અને ગુપ્ત માહિતી માટે કેટલું મોટું જોખમ બની ગયા છે, જેનાથી બચવા માટે સરકારે વધુ કડક અને અદ્યતન સુરક્ષા કવચ પૂરું પાડવું અનિવાર્ય બન્યું છે.
