સુરતના પ્રવાસે આવેલા સીઆઈઆઈ (CII) પશ્ચિમ ક્ષેત્રના ડેપ્યુટી ચેરપર્સન મિલોન નાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સ્થાનિક ઉદ્યોગકારો અને દક્ષિણ ગુજરાતના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ નેતૃત્વ સંવાદ યોજ્યો હતો. આ બેઠક દરમિયાન સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મિલોન નાગે જણાવ્યું હતું કે સુરતનો વેપારી વર્ગ અત્યંત મજબૂત અને પ્રગતિશીલ છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હવે વ્યવસાયિક અભિગમમાં પરિવર્તન લાવવું અનિવાર્ય બન્યું છે.
ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે સીઆઈઆઈ દ્વારા ટેકનોલોજી, અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવશક્તિ અને વૈશ્વિક બજારો સુધી સરળ પહોંચ પૂરી પાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો સમક્ષ ઉદ્યોગકારોના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે તેમજ નીતિગત બાબતો અને નિયમનકારી સુધારાઓમાં સક્રિય યોગદાન આપવામાં આવે છે. આ ઉપરાંત, ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ બેઠકો, પરિષદો, વેપાર પ્રતિનિધિમંડળો અને વિશેષ તાલીમ કાર્યક્રમોનું નિયમિત આયોજન પણ કરવામાં આવે છે.
સીઆઈઆઈના ૧૩ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (Centres of Excellence) મેન્યુફેક્ચરિંગ, ક્વોલિટી, લોજિસ્ટિક્સ, સસ્ટેનિબિલિટી, એમએસએમઇ વિકાસ, ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં કંપનીઓને પૂરતો ટેકો પૂરો પાડે છે. આ સંસ્થા સ્થાનિક કંપનીઓની પ્રોડક્ટ ક્વોલિટી સુધારવા તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અદ્યતન ટેકનોલોજી અપનાવવામાં પણ સક્રિય મદદ કરી રહી છે, જેથી સુરતનો ઉદ્યોગ જગત વૈશ્વિક સ્પર્ધામાં મોખરે રહી શકે.
