દ્વારકા નગરીમાં દર્શન માટે આવેલા પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ સાથે ચોરીની એક ઘટના બની હતી. મેઘાલયથી આવેલા કેટલાક વ્યક્તિઓ દ્વારકાના એક ભવનમાં ઉતર્યા હતા. આ દરમિયાન તેમની રૂમમાં ખુરશી પર મૂકેલા બે મૂલ્યવાન આઈફોન રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગયા હતા. અચાનક મોંઘા મોડેલના ફોન ચોરાઈ જતાં પ્રવાસીઓ ચિંતામાં મુકાયા હતા અને તાત્કાલિક આ બાબતની પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એલ. ચોપડા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમોએ ભવન અને આસપાસના વિસ્તારના પુરાવા એકત્રિત કરી શંકાસ્પદોની તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી અને તપાસનો રેલો સીધો ભવનના જ એક કર્મચારી સુધી પહોંચ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન ગુરુકૃપા ધાબા પાસેથી મૂળ મેઘાલયના વતની અને હાલ દ્વારકાની ગોકુલધામ ભવનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાતા રકસન અરથોન નામના શખ્સની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા આ આરોપીએ ગુનો કબૂલી લીધો હતો અને તેની પાસેથી ચોરી થયેલા રૂા. ૪૦ હજારની કિંમતના બંને આઈફોન પણ મળી આવ્યા હતા. પોલીસે મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
