સુરત શહેરના ઉદ્યોગ જગતમાં ફરી એકવાર આવકવેરા વિભાગની તવાઈ બોલાતા ભારે ખળભળાટ મચી ગયો છે. મુંબઈ અને સુરત ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત અકાય ઈન્ડસ્ટ્રીઝ તેમજ શ્રી અરિહંત ડાયકેમ કંપની ઉપર દરોડા પાડ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ રેડના પગલે ડાયઝ અને કેમિકલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં સન્નાટો છવાઈ ગયો છે અને અનેક રહસ્યો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ તપાસ દરમિયાન અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાન, મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ તેમજ બંને કંપનીઓના અન્ય ધંધાકીય સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આઈ.ટી. વિભાગના અધિકારીઓએ અનેક સ્થળોએ પહોંચીને હિસાબી દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી છે, જેમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને કર ચોરી પકડાય તેવી પૂરી સંભાવના છે. અચાનક થયેલી આ કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અકાય ઇન્ડસ્ટ્રીઝ ફૂડ-ગ્રેડ કલર્સ અને પિગમેન્ટ્સની અગ્રણી ઉત્પાદક છે, જ્યારે સચિન GIDC સ્થિત શ્રી અરિહંત ડાયકેમ દાયકાઓ જૂનો ઇતિહાસ ધરાવતી અને ૧૫૦થી વધુ કર્મચારીઓ સાથે કાર્યરત ડાય ઇન્ટરમીડિએટ્સ ક્ષેત્રની જાણીતી કંપની છે. આ કંપનીઓ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક્સ જેવા વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા કુદરતી અને સિન્થેટિક રંગોના ઉત્પાદન તથા નિકાસ સાથે સંકળાયેલી છે. હાલ તો અધિકારીઓ દ્વારા કંપનીના તમામ રેકોર્ડ્સ અને ડિજિટલ ડેટાની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
