રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ક્રિષ્ના ચોક પાસે આવેલા પુજા પાર્ક મેઈન રોડ પર રહેતા અને હુડકો શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો કરતા હેમંતભાઈ પ્રેમજીભાઈ વાઘેલાના ઘરે હાલ મકાનનું રિનોવેશન અને રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે. વેપારીએ શાકભાજીના વેપારીઓને ચૂકવવા તથા ઘરના કામ માટે આશરે આઠ-દસ દિવસ અગાઉ રૂૂપિયા ત્રણ લાખની રોકડ રકમ એક ગુલાબી કલરના લેડીઝ પર્સના પાકીટમાં સંભાળીને મૂકી હતી. જેમાં પાંચસો રૂપિયાના દરની નોટના પચાસ હજારના પાંચ બંડલ તેમજ બસો અને સો રૂપિયાના દરની નોટનું પચાસ હજારનું એક બંડલ મળીને કુલ છ બંડલ હતા, જે ઘરના ઉપલા રૂૂમમાં રાખવામાં આવ્યા હતા.
ઘરના નીચેના રૂૂમમાં કલરકામ કરવાનું હોવાથી ઘરનો તમામ સામાન ઉપરના રૂૂમમાં ખસેડવામાં આવ્યો હતો, જે રૂૂમનો દરવાજો ફિટ કરવાનો બાકી હોવાથી તે ખુલ્લો હતો. ઘરમાં ઈલેક્ટ્રિકનું કામ કરતા યોગેશભાઈની ઓળખાણથી ગત ૧૯ નવેમ્બરના રોજ સુતા હનુમાન મંદિર પાસેથી આશરે ૨૫ થી ૩૦ વર્ષની વયના એક હિન્દી ભાષી શખ્સને કડિયાકામ માટે કામે રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે એટલે કે ૨૦ નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યે આ શખ્સ પોતાનું અધૂરું કામ પૂરું કરવા માટે વેપારીના ઘરે આવ્યો હતો અને ત્યાં જ રોકાયો હતો.
કામ દરમિયાન સામાન ઉપર-નીચે કરવાના બહાને આ ચાલાક શખ્સે પરિવારજનોની નજર ચૂકવીને ઉપરના રૂૂમમાં રાખેલા પર્સમાંથી ત્રણ લાખની રોકડ સેરવી લીધી હતી અને બપોરે આશરે બે વાગ્યે કોઈને પણ ક્યાંય કહ્યા વગર પોતાનું કામ અધૂરું મૂકીને નાસી છૂટ્યો હતો. સાંજે પાંચેક વાગ્યે જ્યારે ઘરમાં તપાસ કરવામાં આવી ત્યારે પર્સમાંથી રોકડ રકમ ગાયબ હોવાનું જણાઈ આવતા ચોરી થયાનો ભાંડો ફૂટ્યો હતો. ભોગ બનનાર હેમંતભાઈએ આ મામલે આરોપીના મોબાઈલ નંબરના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
