JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીની પરાકાષ્ઠા: ઓપરેશન દરમિયાન દર્દીની છાતીમાં તાર ભૂલી ગયા ડોક્ટરો, આઘાતમાં પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીની પરાકાષ્ઠા: ઓપરેશન દરમિયાન દર્દીની છાતીમાં તાર ભૂલી ગયા ડોક્ટરો, આઘાતમાં પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારીના કારણે ગાંઠના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીની છાતીમાં તાર રહી ગયો હતો. પતિની આ દુર્દશા જોઈને આઘાતમાં સરી પડેલી પત્નીએ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ વધુ એક વખત તબીબી બેદરકારી અને વહીવટી લાપરવાહીને કારણે ભારે વિવાદના ભંવરમાં ફસાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સર્જીકલ વિભાગમાં ગાંઠના ઓપરેશન માટે દિલીપભાઈ બારોટ નામના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન તબીબોએ તેમની છાતીના ભાગે ચેકો મૂકીને અંદર તાર દાખલ કર્યો હતો, પરંતુ નિયમ મુજબ તેને બહાર કાઢવાને બદલે અંદર જ છોડી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, છાતી પર ચેકો માર્યા બાદ ટાંકા લેવાના બદલે માત્ર સાદું ડ્રેસિંગ કરીને દર્દીને રઝળતો મૂકી દેવાયો હતો. હાલ આ દર્દી સિવિલ હોસ્પિટલના સર્જીકલ વિભાગમાં જ દાખલ છે અને સતત અસહ્ય દુખાવાની ફરિયાદો કરી રહ્યો છે, છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

આ ગંભીર ઘટનાને પગલે દર્દીના પરિવારજનોમાં રોષની સાથે ભારે આઘાત જોવા મળી રહ્યો છે. પરિવારે તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે જે તબીબોએ સર્જરી નહોતી કરવાની તેમણે આ ઓપરેશન કેમ પાર પાડ્યું? અને છાતીમાં તાર રહી ગયા બાદ કોઈ ઉપરી અધિકારીને જાણ કેમ ન કરાઈ? આ માેટે પાયે થયેલી બેદરકારી અંગે જ્યારે સિવિલ અધિક્ષક ડો. કમલ ડોડિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સંતોષકારક ખુલાસો કરવાને બદલે ગોળ ગોળ જવાબો આપીને પોતાના જ સ્ટાફને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. અધિક્ષકે કયા ડૉક્ટરે ઓપરેશન કર્યું તેનું નામ જાહેર ન કરતાં માત્ર એટલું કહ્યું હતું કે આ બેદરકારી છે કે પ્રક્રિયાનો ભાગ તે તપાસનો વિષય છે, જેણે પરિવારના આક્ષેપોને વધુ મજબૂત બનાવ્યા છે.

પરિવારના મોભી સમાન દિલીપભાઈની આ અત્યંત ગંભીર અને દયનીય હાલત જોઈને તેમની પત્ની માનસિક આઘાત સહન ન કરી શકી અને તેમણે અંતિમ પગલું ભરીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તાત્કાલિક ધોરણે તેમને પણ સિવિલ હોસ્પિટલના જ ઈમર્જન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળે છે. એકસાથે પરિવારના બે સભ્યો હોસ્પિટલના પલંગ પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા હોવાથી પરિવારજનોએ આ બેદરકાર તબીબો અને સ્ટાફ સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે તથા પીડિત પરિવારને ન્યાય મળે તેવી આક્રમક માંગણી ઉચ્ચારી છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES