JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

એક્ટિવામાંથી પડી ગયેલી ૩૨ લાખની ચાંદી ગણતરીના દિવસોમાં જ શોધી કાઢતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

એક્ટિવામાંથી પડી ગયેલી ૩૨ લાખની ચાંદી ગણતરીના દિવસોમાં જ શોધી કાઢતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ
રાજકોટમાં સ્કૂટરમાંથી રૂા. ૩૨ લાખની કિંમતનું ૨૦ કિલો ચાંદીનું બાચકું રસ્તામાં પડી ગયું હતું. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે ગણતરીના દિવસોમાં જ સમગ્ર મુદ્દામાલ હેમખેમ કબજે કરી લીધો છે.

રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાંથી પોતાના એક્ટિવા વાહન પર શુદ્ધ ચાંદીના દાણા લઈને નીકળેલા પ્રશાંતભાઈ મેટકરી નામના વેપારી સાથે એક મોટી દુર્ઘટના ઘટી હતી. તેઓ સાંઈબાબા રીફાઈનરીમાંથી અંદાજે ૬૦ કિલોગ્રામ ચાંદી ખરીદીને ત્રણ અલગ-અલગ પ્લાસ્ટિકના બાચકામાં વાહનના આગળના ભાગે મૂકીને જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન અચાનક ૨૦ કિલોગ્રામ શુદ્ધ ચાંદી ભરેલું એક બાચકું રસ્તામાં ક્યાંક સરકીને નીચે પડી ગયું હતું. આ ખોવાયેલા ચાંદીના જથ્થાની બજાર કિંમત આશરે રૂા. ૩૨ લાખ જેટલી થતી હતી, જેને લઈને વેપારી ચિંતામાં મુકાઈ ગયા હતા અને તાત્કાલિક રાજકોટ શહેર ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવા જોગ નોંધાવી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની ખાસ ટીમો બનાવવામાં આવી હતી. તપાસની શરૂઆતમાં જ પોલીસ કર્મચારીઓએ વેપારીના સમગ્ર રૂૂટ પરના અસંખ્ય સીસીટીવી ફૂટેજ મેળવીને તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ટેક્નોલોજીની મદદ અને માનવીય સ્રોતથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ કેસમાં કડીથી કડી જોડીને તપાસનો વ્યાપ વધાર્યો હતો. પોલીસની આ સઘન અને સતત મહેનતના પરિણામે ગણતરીના દિવસોમાં જ આ મૂલ્યવાન જથ્થો ક્યાં અને કોના હાથમાં ગયો છે તેની મહત્વની કડીઓ પોલીસના હાથે લાગી ગઈ હતી.

પોલીસ તપાસ દરમિયાન સંતકબીર રોડ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મોહનભાઈ રાઠોડ નામના શખ્સ પાસેથી આ શંકાસ્પદ ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૯૯.૯૦ ટચની ૨૦.૦૬૦ કિલોગ્રામ શુદ્ધ ચાંદી, જેની કિંમત અંદાજે રૂા. ૩૨,૦૦,000/- થાય છે, તે તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે. રસ્તામાં પડી ગયેલી આટલી મોટી રકમની કિંમતી ધાતુ ટૂંકા સમયમાં જ શોધી કાઢીને વેપારીને રાહત અપાવનાર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરી બદલ સર્વત્ર પોલીસની કુશળતાની પ્રશંસા થઈ રહી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES