જામનગર જિલ્લાના પવિત્ર ધર્મક્ષેત્ર ગણાતા જોડિયાધામની શ્રી ગીતા વિદ્યાલયમાં સંસ્થાની વાર્ષિક પરંપરા અનુસાર આગામી ૧૮, ૧૯ અને ૨૦ ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન ૫૨મા શ્રી ગીતા જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને દિવ્યતાનું કેન્દ્ર બનશે. આ પાવન ઉત્સવમાં પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે, જેના કારણે ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહોત્સવના કાર્યક્રમોની વિગતવાર વાત કરીએ તો, તારીખ ૧૮ ડિસેમ્બરના રોજ શુક્રવારે સાંજે ૪ થી ૭ દરમિયાન પ્રખ્યાત સંતો અને કથાકારો દ્વારા જ્ઞાનવર્ધક સત્સંગ પ્રવચનો યોજાશે. ત્યારબાદ, ૧૯ ડિસેમ્બરના શનિવારે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ એમ બંને સત્રમાં સત્સંગ પ્રવચનોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, સમગ્ર મહોત્સવ દરમિયાન વિશ્વ કલ્યાણ અને હરિ પ્રશનતાના હેતુસર ગીતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત ભાવિકો દ્વારા સામુહિક હોમાત્મક પાઠ અને વિશેષ અનુષ્ઠાનો પણ કરવામાં આવશે.
મહોત્સવના અંતિમ દિવસે એટલે કે ૨૦ ડિસેમ્બર ૨૦૨૬, રવિવારે માગસુર સુદ એકાદશીના પવિત્ર યુગ પર્વે સવારે ૯:૩૦ વાગ્યે પરમ પૂજ્ય મોરારીબાપુ ઉપસ્થિત રહીને પોતાનો મંગલ ગીતા સંદેશ પાઠવશે અને ભક્તોને કૃતાર્થ કરશે. પ. પૂ. શ્રી વિરાગમુનિજી દ્વારા સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ અને શ્રી ગીતા વિદ્યાલય પરિવાર જોડિયાધામ દ્વારા આ દિવ્ય પુણ્ય પર્વમાં મોટીસંખ્યામાં પધારવા અને ધર્મલાભ લેવા તમામ શ્રદ્ધાળુઓ તથા ભાવિકોને હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.
