અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા સરગવાળા ગામના ખેડૂતો અન્નદાતા હોવા છતાં આજે પોતાની જ જમીન પર અન્યાયનો ભોગ બની રહ્યા છે. ગામના ખેડૂતોની કોઈ પણ પ્રકારની પૂર્વ સંમતિ કે મંજૂરી લીધા વિના તેમની માલિકીની જમીનોમાંથી બળજબરીપૂર્વક ગેસ લાઈન પસાર કરવામાં આવી રહી છે, જેનો સ્થાનિક ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ લોકશાહી વિરોધી અને મનસ્વી કામગીરી સામે અવાજ ઉઠાવનાર નિર્દોષ ખેડૂતો અને મહિલાઓ પર પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
ગેસ લાઈન નાખવાની આ કાર્યવાહીનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ડરાવવા અને ધમકાવવા માટે સત્તાના જોરે ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓ સાથે અમાનવીય વર્તન કરી તેમની સાથે મારકૂટ કરવામાં આવી હતી એટલું જ નહીં, ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. આ બળપ્રયોગમાં અનેક ખેડૂતો અને મહિલાઓને શારીરિક ઈજાઓ પહોંચી હતી. આટલેથી સંતોષ ન થયો હોય તેમ લોકશાહીના માર્ગે પોતાના હકની લડાઈ લડી રહેલા સાત જેટલા અન્નદાતા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂત આખા વર્ગમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.
સરગવાળા ગામના ખેડૂતો પર થયેલા આ અમાનવીય અત્યાચાર અને દમનની ઘટનાને જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઈ રાઠોડે અત્યંત સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે જામનગર જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને એક સત્તાવાર આવેદનપત્ર પાઠવીને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આવેદનપત્રમાં ખેડૂતોને જમીનના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા, મહિલાઓ અને ખેડૂતો પર લાઠીચાર્જ કરનાર જવાબદાર લોકો સામે કાયદેસરના કડક પગલાં લેવા તેમજ જે સાત ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તેમને ત્વરિત અને નિષ્પક્ષ ન્યાય મળે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.
