JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

દ્વારકા પ્રવાસે આવનાર મુખ્યમંત્રી દુષ્કાળગ્રસ્ત ખેડૂતોના ઘરે રાતવાસો કરે: ઇશુદાન ગઢવીની માંગ

દ્વારકા પ્રવાસે આવનાર મુખ્યમંત્રી દુષ્કાળગ્રસ્ત ખેડૂતોના ઘરે રાતવાસો કરે: ઇશુદાન ગઢવીની માંગ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ મુખ્યમંત્રીના દ્વારકા પ્રવાસ ટાણે ખેડૂતોની વેદના વાણી છે. તેમણે મુખ્યમંત્રી ચાર્ટર પ્લેનમાં આવી દર્શન કરીને પાછા ફરવાને બદલે ખેડૂતોના ઘરે રાત્રે રોકાઈને તેમની સમસ્યાઓ જાણવા અપીલ કરી છે.

દેવભૂમિ દ્વારકાના પ્રવાસે આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ અને લોકઉપયોગી માંગણી મૂકી છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું પદ સર્વસમાજની ગરિમાનું પ્રતીક હોવાથી તેમને 'ગુજરાતના નાથ' કહેવામાં આવે છે. જ્યારે મુખ્યમંત્રી દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે, ત્યારે તેમણે માત્ર હેલિકોપ્ટર કે ચાર્ટર પ્લેનમાં આવીને ગાંધીનગર પરત ફરી જવાના બદલે દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવો જોઈએ. અગાઉ જે રીતે મુખ્યમંત્રી આદિવાસી વિસ્તારોમાં રોકાયા હતા, તે જ પ્રકારે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ખેડૂતોના ઘરે એક રાત્રી રોકાણ કરવું જોઈએ જેથી ખેડૂતોની સાચી પીડા સરકાર સુધી પહોંચી શકે.

વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો ભારે આર્થિક સંકટ અને કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી ઇશુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે ખેડૂતો દેવાના બોજ તળે દબાયેલા છે અને તેમની પાસે શિયાળુ પિયત માટે પાણી કે પશુઓ માટે પૂરતો ઘાસચારો પણ ઉપલબ્ધ નથી. પીજીવીસીએલના દંડની ઉઘરાણી અને લાઈટ બિલના ફોનથી ખેડૂતો માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે. દુષ્કાળ જાહેર થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં જમીન પર કોઈ રાહત કાર્યો શરૂ થયા નથી. અગાઉ કમોસમી વરસાદ વખતે બે હેક્ટર દીઠ ૪૪,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વખતે રાહત પેકેજમાં માત્ર ૮,૫၀၀ રૂપિયા જ મળ્યા છે તે બાબતે પણ મુખ્યમંત્રીએ સ્થળ પર જઈને તપાસ કરવી જોઈએ અથવા જનતાને તેના જવાબો આપવા જોઈએ.

અંતમાં કટાક્ષ અને પ્રાર્થના બંનેનો સુર વ્યક્ત કરતા 'આપ' નેતાએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ એવી અપીલ કરી હતી કે તેઓ મુખ્યમંત્રીને એવી સદબુદ્ધિ આપે કે જેથી તેઓ દર્શન કર્યા બાદ ખેડૂતોના બેંક ખાતામાં પૂરતી સહાય જમા કરાવે અથવા એવો ચમત્કાર સર્જે કે ખેડૂતોના તમામ દેવા માફ થઈ જાય. તેમણે સ્થાનિક ખેડૂતોને પણ અનુરોધ કર્યો હતો કે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પ્રશ્નો સીધા સરકાર સમક્ષ રજૂ કરે. જો સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આ પ્રવાસ માત્ર દેખાડા પૂરતો બની રહેશે તેમ કહીને તેમણે સરકારની કાર્યપૈકી સામે સવાલો ઉઠાવ્યા હતા.

કૃષિ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES