અમદાવાદ શહેરમાં ડ્રગ્સના કારોબાર સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સકંજા વધુ મજબૂત કરવામાં આવ્યો છે. તાજેતરમાં NCBની ટીમે તપાસ દરમિયાન હર્ષિલ પરીખ નામના યુવકની ધરપકડ કરી હતી, જેને આજે વિશેષ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સી દ્વારા આરોપીની સંડોવણીના પુરાવા રજૂ કરીને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને અદાલતે ગ્રાહ્ય રાખીને હર્ષિલ પરીખના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન તપાસ અધિકારીઓ દ્વારા સમગ્ર ડ્રગ્સ નેટવર્કની કુંડળી ઉકેલવા માટે સઘન પૂછપરછનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ કેસની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે પકડાયેલા આરોપી હર્ષિલ પરીખ વ્યવસાયે કેમિકલ એન્જિનિયર છે અને હાલમાં કેમિકલ વિષયમાં જ પીએચડી (PhD) નો અભ્યાસ કરી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હર્ષિલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ફેક્ટરી ઊભી કરવામાં મુદ્દસર નામના શખ્સને મુખ્ય મદદ કરી હતી. માત્ર ફેક્ટરી બનાવવામાં જ નહીં, પરંતુ ડ્રગ્સ બનાવવા માટે જરૂરી તમામ પ્રકારના કેમિકલ અને જોખમી મટિરિયલ્સ પણ આ એન્જિનિયર દ્વારા જ મેળવી આપવામાં આવ્યા હોવાના અત્યંત ગંભીર આક્ષેપો તપાસમાં સામે આવ્યા છે, જેણે સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે.
શિક્ષિત અને ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિની આ પ્રકારે ગુનાહિત કાર્યોમાં સંડોવણી બહાર આવતા NCB એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ નેટવર્કની આશંકાએ તપાસનો વ્યાપ ખૂબ જ મોટો કરી દીધો છે. આગામી ત્રણ દિવસના રિમાન્ડ કાળ દરમિયાન આ કેમિકલ્સ ક્યાંથી અને કેવી રીતે ખરીદવામાં આવતા હતા, આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓનો હાથ છે અને આ ડ્રગ્સ ક્યાં સપ્લાય થવાનું હતું તે તમામ બાબતો પરથી પડદો ઉંચકાય તેવી પૂરી સંભાવના છે.
