રાજકોટ શહેરમાં સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતા એક સુંદર અને પ્રેરણાદાયી આયોજનના ભાગરૂપે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા આગામી રવિવાર, તા. ૨૯ નવેમ્બર ૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન ટાગોર રોડ પર આવેલા જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય 'વડીલ વંદના અને સ્નેહમિલન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના વડીલો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારભાવ વ્યક્ત કરવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે આ સમારોહનું પ્રથમ વખત વિશેષ આયોજન કરાયું છે, જે સમગ્ર સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સમાજના વડીલો એ આપણા સંસ્કારો, સમૃદ્ધ પરંપરાઓ, જીવનના દીર્ઘ અનુભવો અને મૂલ્યવાન માર્ગદર્શનના સાચા વારસદાર છે. તેમના આશીર્વાદ અને સંઘર્ષભર્યા જીવનના અનુભવો હંમેશાં નવી પેઢી માટે દીવાદાંડી સમાન અને પ્રેરણાદાયી સાબિત થાય છે, તેવા મુખ્ય આશય સાથે આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ વિશેષ સમારોહ દરમિયાન સમાજની અંદર અગ્રેસર રહેલા અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર ૫૧ વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવશે, જે આ સમગ્ર આયોજનનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે મનસુખભાઇ તલસાણીયા, બળવંત હળવદિયા, ઘનશ્યામ વાડોલિયા, સતીશ સતાપરા, મહેશ ભરવાડ, દિલીપ સીતાપરા, તુષાર સરવૈયા, રાકેશ રાવલ, છગનભાઇ જાદવ, નરેશ ઘરોડિયા, મનસુખ મોજીદ્રા, પ્રફુલ્લ નડિયાપરા, યોગેશ ઉનાગરા અને વિમલ સચાનિયા સહિતના અગ્રણીઓએ 'સાંજ સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી અને સમગ્ર કાર્યક્રમની વિગતો શેર કરી હતી. આ સ્નેહમિલન અને વડીલ વંદનાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહીને વડીલોના આશીર્વાદ મેળવશે અને સામાજિક એકતાની મિશાલ કાયમ કરશે.
