સ્પેનના દરિયાકાંઠે બુધવારે બનેલી એક ગંભીર દરિયાઈ દુર્ઘટનામાં ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતું ‘MT MED AMRE’ નામનું ઓઇલ ટેન્કર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ જહાજ અંદાજે ૭૦૦૦ ટન જેટલા જ્વલનશીલ ડીઝલનો જથ્થો લઈને જઈ રહ્યું હતું ત્યારે અચાનક સર્જાયેલી કટોકટીની સ્થિતિને કારણે તે ડૂબી ગયું હતું. જહાજ સંપૂર્ણપણે સમુદ્રમાં સમાઈ જાય તે પહેલાં જ તેના પર સવાર ખલાસીઓએ સમયસૂચકતા વાપરીને ટેન્કર છોડી દેવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે એક મોટો માનવીય આપઘાત અટકી ગયો હતો. કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર આ ઘટનાની પુષ્ટિ કરતા વિગતો જાહેર કરી હતી.
આ ગંભીર કટોકટીના સમયે સ્પેનિશ દરિયાઈ બચાવ સેવા દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેલેરિક કટોકટી સેવાઓના જણાવ્યા અનુસાર, જહાજ પર કુલ ૧૭ ખલાસીઓ સવાર હતા, જેમાંથી સુરક્ષિત બહાર કઢાયેલા સાત સભ્યો સહિત કુલ આઠ ભારતીય નાવિકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ તમામ ભારતીય ક્રૂ સભ્યોને તબીબી નિરીક્ષણ હેઠળ રાખીને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. જો કે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અન્ય એક ખલાસીનું દુઃખદ મૃત્યુ થયું હતું, જો કે તેના મૃતક અંગેની રાષ્ટ્રીયતા હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
ટેન્કર સમુદ્રમાં ડૂબી ગયા બાદ પર્યાવરણને નુકસાન થવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સ્પેનિશ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. સાલ્વામેન્ટો મેરિટિમોની માલિકીની વિશેષ બોટ અને વિમાનોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે જેથી દરિયામાં ડીઝલ લીકેજ કે અન્ય કોઈ પ્રદૂષણ ફેલાયું છે કે નહીં તેનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. ભારતીય વિદેશ મંત્રાલય અને સંબંધિત એજન્સીઓ પણ આ સમગ્ર મામલે સ્પેનસ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહીને બચેલા નાવિકોની સુરક્ષા અને તેમને વહેલી તકે સ્વદેશ પરત લાવવાની દિશામાં જરૂરી કાર્યવાહી કરી રહી છે.
