JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

સંસદના વિશેષ સત્ર પહેલા કેબિનેટે સીમાંકન અને મહિલા અનામત સુધારેલા ખરડાને આપી મંજૂરી

સંસદના વિશેષ સત્ર પહેલા કેબિનેટે સીમાંકન અને મહિલા અનામત સુધારેલા ખરડાને આપી મંજૂરી
કેન્દ્ર સરકારે બોલાવેલા વિશેષ સત્ર અગાઉ કેબિનેટ બેઠકમાં સીમાંકન અને ૩૩ ટકા મહિલા અનામત સંબંધિત બંધારણ સુધારા વિધેયકને મંજૂરી મળી ગઈ છે. આ પ્રસ્તાવ હેઠળ લોકસભાની બેઠકોની સંખ્યા ૫૦ ટકા વધારીને ૮૫૦ કરવાનો અને આગામી ૨૫ વર્ષ સુધી બેઠકોની ફાળવણી સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે ત્યારે શુક્રવારે મળેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત સંબંધિત સુધારેલા બંધારણ સુધારા વિધેયકને મંજૂરી આપવામાં આવી છે. આ નવા પ્રસ્તાવ અનુસાર લોકસભાની હાલની બેઠકોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે, જેનાથી સભ્યસંખ્યા ૫૪૩થી વધીને સીધી ૮૫૦ પર પહોંચી જશે. આ સાથે જ રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણીની વર્તમાન વ્યવસ્થાને આગામી ૨૫ વર્ષ એટલે કે વર્ષ ૨૦૫૧ સુધી સ્થિર રાખવાનો મહત્વનો પ્રસ્તાવ પણ આ બિલમાં સામેલ કરવામાં આવ્યો છે, જે દેશના રાજકીય સમીકરણો પર મોટી અસરો સર્જી શકે તેમ છે.

અગાઉ ગત એપ્રિલ મહિનામાં સંસદમાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે આ બિલ પસાર થવામાં નિષ્ફળ રહ્યું હતું, પરંતુ આ વખતે સરકાર સંપૂર્ણ ગૃહકાર્ય અને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી રહી છે. છેલ્લા સાત મહિનામાં બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક ક્ષેત્રીય વિપક્ષોને રાજી કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. ડીએમકે અને શરદ પવારની પાર્ટી સહિતના કેટલાક પક્ષોએ જોગવાઈઓનું અધ્યયન કરીને સમર્થન આપવાના સંકેત આપ્યા છે, જેથી સરકાર આસાનીથી જરૂરી બહુમતીનો આંકડો પાર કરી લેશે તેવી પૂરી આશા સેવી રહી છે. જોકે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી જેવા વિપક્ષી દળોએ આ બિલ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને દક્ષિણ ભારતના રાજ્યોની તાકાત ઘટવા અંગેના આક્ષેપો પણ કર્યા છે.

ગત પ્રયાસ દરમિયાન લોકસભામાં મતદાન વખતે જરૂરી ૩૫૨ મતોના લક્ષ્યાંક સામે માત્ર ૨૯૮ મત જ મળ્યા હતા અને છેલ્લા ૧૨ વર્ષમાં મોદી સરકારના કોઈ બિલને આ પ્રકારે અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. આ કડવા અનુભવમાંથી શીઠ લઈને સરકારે હવે તમામ પાસાઓ પર ગંભીર મંથન કર્યું છે અને શાસક પક્ષ દ્વારા પોતાના તમામ લોકસભા સાંસદોને આગામી ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ગૃહમાં અનિવાર્યપણે ઉપસ્થિત રહેવા માટે થ્રી-લાઇન વ્હિપ જારી કરવાની પણ તૈયારીઓ કરી લીધી છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES