મુંબઈમાં યોજાયેલી એસએમઈ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટને સંબોધતા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલહોત્રાએ બેંકો અને એમએસએમઈ (MSME) ક્ષેત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે બેંકોએ એમએસએમઈને ધિરાણ આપવાની પ્રક્રિયાને માત્ર નિયમ પાલન કે ટાર્ગેટ પૂરતી સીમિત ન રાખવી જોઈએ, પરંતુ તેને વ્યક્તિગત સ્પર્શ સાથે એક નફાકારક અને મજબૂત સંબંધ તરીકે વિકસાવવી જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં (સપ્ટેમ્બર ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન) બેંકો દ્વારા એમએસએમઈને અપાતું ધિરાણ વાર્ષિક ૧૯ ટકાના દરે વધ્યું છે, જે એકંદરે બેંક ધિરાણ કરતાં પણ ઝડપી છે. આ આંકડો સાબિત કરે છે કે આ ક્ષેત્રને નાણાકીય સહાય પૂરી પાડવી એ બેંકો માટે પણ અત્યંત ફાયદાકારક અને આર્થિક રીતે સધ્ધર સાબિત થઈ રહ્યું છે.
ગવર્નરે એમએસએમઈ ક્ષેત્રને માત્ર ઘરેલુ બજાર પૂરતા મર્યાદિત ન રહેતા આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા અને મુક્ત વેપાર કરારો (FTAs) નો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આપણા દેશમાં માત્ર ૨૦ થી ૩૦ ટકા નિકાસકારો જ એફટીએ હેઠળ ઉપલબ્ધ ઓછા ટેરિફનો લાભ ઉઠાવે છે, જે ભાગીદાર દેશોના ૬૦ થી ૭૦ ટકાના ઉપયોગ સામે ઘણો ઓછો છે. આ એક એવી તક છે જેને આપણે ગુમાવી રહ્યા છીએ. તેમણે ઉદ્યોગોને કદ વધારવાની અને સરકારી લાભો ગુમાવવાનો ડર છોડી દેવાની સલાહ આપી હતી. સરકાર દ્વારા ક્રેડિટ ગેરંટી સ્કીમની મર્યાદા વધારીને ૧૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે અને રિઝર્વ બેંકે કોલેટરલ મુક્ત ધિરાણ મર્યાદા ૧ એપ્રિલ ૨૦૨૬થી ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ રૂપિયા (સારા રેકોર્ડવાળા માટે ૨૫ લાખ સુધી) કરી છે, જેથી ઉદ્યોગો કોઈપણ સંકોચ વગર મોટું પ્લેટફોર્મ ઊભું કરી શકે.
વધુમાં, નાણાકીય શિસ્ત અને ડિજિટલ પ્લેટફોર્મના મહત્ત્વ પર ભાર મૂકતા ગવર્નરે જણાવ્યું કે ઉદ્યોગોએ યોગ્ય હિસાબો રાખવા, સમયસર રિટર્ન ભરવું અને ડિજિટલ વ્યવહારો કરવા અનિવાર્ય છે. બિઝનેસ દ્વારા છોડવામાં આવતા ડેટા ટ્રેલ અને TReDS પ્લેટફોર્મનો ઉપયોગ ધિરાણ મેળવવાની પ્રક્રિયાને અત્યંત સરળ અને ઝડપી બનાવશે. એનપીએ (NPA) ની સમયમર્યાદા અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે તે માત્ર ૯૦ દિવસ નથી, પરંતુ કરાર અને ખરીદનારની ચૂકવણીની પદ્ધતિના આધારે તે ૧૮૦ દિવસ વત્તા ૯૦ દિવસ સુધીની હોઈ શકે છે. એમએસએમઈએ પોતાની જરૂરિયાતો મુજબ આ વાટાઘાટો કરવી જોઈએ. આરબીઆઈ દ્વારા વર્કિંગ કેપિટલના નિયમો પણ સરળ બનાવવામાં આવ્યા છે, જેથી આ ક્ષેત્ર દેશમાં રોજગારીનું સર્જન કરવાની સાથે આર્થિક વિકાસમાં સિંહફાલો આપી શકે.
