ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) દ્વારા આતંકવાદ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. મૂળ આસામના કરીમગંજ જિલ્લાનો વતની અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા મોહમ્મદ શહરૂલ ઇસ્લામ નામના શખ્સને વડોદરા નજીક આવેલા જરોદ બસ સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દિલધડક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આતંકીની તલાશી લેતા તેની પાસેથી એક અત્યાધુનિક એકે-47 રાઈફલ, ૨૩ જીવતા કાર্তૂસ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી એટીએસની ટીમ આ ખતરનાક શખ્સની પાછળ હતી અને અંતે તેને ઝડપી પાડવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ આતંકવાદીનો મુખ્ય હેતુ વડોદરા સ્થિત એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાનો અને ત્યાં મોટો હુમલો કરવાનો હતો. તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સીધા સંપર્કમાં હતો. આતંકીના મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસ દરમિયાન વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટોગ્રાફ્સ અને વીડિયો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે તેણે ગેટ પાસે જઈને ઝીણવટભરી રેકી પણ કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે તેણે યુટ્યુબ કે અન્ય માધ્યમો પર ઉપલબ્ધ જુદા જુદા વીડિયો જોઈને હથિયાર ચલાવવાની તાલીમ મેળવી હતી. તેના મોબાઈલમાંથી જૈશ-એ-મોહમ્મદનું પ્રચારાત્મક સાહિત્ય પણ મળી આવ્યું છે, અને પાકિસ્તાની હેન્ડલર દ્વારા તેને નવો મોબાઈલ ખરીદવા માટે ઓનલાઈન ૫૦, રૂપિયા પણ મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ કેસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આતંકીને એકે-47 જેવું ઘાતક હથિયાર ગુજરાતમાં જ દાહોદમાંથી મળી આવ્યું હતું. આસામથી ટ્રેન અને બસ દ્વારા ભોપાલ થઈને વડોદરા પહોંચેલો આ આતંકી અગાઉ રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો અને પોલીસ કે એટીએસની પકડથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો. હાલોલ અને દાહોદ તરફ અવરજવર કરતી વેળાએ એટીએસે બાતમીના આધારે તેની ગાડીને આંતરીને આ દબોચી લીધો હતો. ગુજરાતમાં આટલા મોટા હથિયારની હેરાફેરી કઈ રીતે થઈ અને સ્થાનિક સ્તરે તેને કોણે મદદ કરી તે દિશામાં અત્યારે એટીએસે સઘન તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં આગામી સમયમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
