સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોની બે દિવસની સળંગ તેજી પર પાણી ફરી વળ્યું હતું. મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૯૫૦ પોઈન્ટથી વધુના કડાકા સાથે ૮૩,૩૩૯ ની સપાટી પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૨૫૦ પોઈન્ટથી વધુ ઘટીને ૨૫,૬૫0 ની મહત્વપૂર્ણ સપાટીની નીચે સરક્યો હતો. બેન્કિંગ, આઈટી, ઓટો અને એફએમસીજી ક્ષેત્રના અગ્રણી શેરોમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. જોકે, મુખ્ય પ્રવાહથી વિપરીત બ્રોડ માર્કેટમાં મિડકેપ ૧૫૦ અને સ્મોલકેપ ૨૫૦ ઇન્ડેક્સ ૦.૫૨ ટકા સુધીનો સાધારણ ઘટાડો કે વધારો દર્શાવીને ટ્રેન્ડ સામે ટકી રહ્યા હતા.
આ અચાનક આવેલા ઘટાડા પાછળ મુખ્યત્વે ચાર મોટા કારણો જવાબદાર રહ્યા હતા, જેમાં સૌથી મોટું કારણ પ્રોફિટ બુકિંગ હતું. છેલ્લા છ વર્ષમાં સપ્તાહનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા જઈ રહેલા બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ની મજબૂત લેવાલી અને આકર્ષક વેલ્યુએશન વચ્ચે રોકાણકારોએ ઊંચા સ્તરે નફો રળવાનું પસંદ કર્યું હતું. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરેબિયાની રિફાઈનરી પર થયેલા ડ્રોન હુમલાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધીને ૯૮ ડૉલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા હતા. ક્રૂડના વધતા ભાવો અને મજબૂત ડૉલર સામે ભારતીય રૂપિયો પણ ૦.૬ ટકા ઘટીને ૯૨.૯૯ ના સ્તરે પહોંચી જતાં બજારની સેન્ટિમેન્ટ વધુ નબળી પડી હતી.
સ્થાનિક બજારમાં ટીસીએસ, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક જેવા દિગ્ગજ આઈટી શેરોમાં ૩ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જેણે બજારના સેન્ટિમેન્ટને વધુ ડામાડોળ કર્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા પ્રભાવ વચ્ચે પરંપરાગત આઉટસોર્સિંગ બિઝનેસ મોડેલ સામે ઊભા થયેલા જોખમોને કારણે રોકાણકારો સતત સાવચેત જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના મતે આગામી સમયમાં બજારની દિશા માટે ૨૫,૮૬૪ નું સ્તર અત્યંત નિર્ણાયક સાબિત થશે. જો નિફ્ટી આ સ્તરને જાળવી રાખવામાં સફળ રહે તો ફરીથી રિકવરી જોવા મળી શકે છે, પરંતુ નબળાઈ વધતા બજારમાં આગામી દિવસોમાં પણ સાવચેતીનો માહોલ જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે.
