JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મુંબઈમાં બોમ્બની ધમકી આપનાર માસ્ટરમાઇન્ડ તમિલનાડુનો સોફ્ટવેર એન્જિનિયર નીકળ્યો

મુંબઈમાં બોમ્બની ધમકી આપનાર માસ્ટરમાઇન્ડ તમિલનાડુનો સોફ્ટવેર એન્જિનિયર નીકળ્યો
મુંબઈના પ્રતિષ્ઠિત સ્થળો અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ૨૮ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરની તમિલનાડુ એટીએસ દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા બે વર્ષમાં દેશભરની સુરક્ષા એજન્સીઓને ૧૫૦૦થી વધુ બોમ્બની ધમકીભર્યા ફેક ઈમેલ મોકલવા સંડોવાયેલો હોવાની શંકા છે.

મુંબઈ શહેરમાં દહેશત ફેલાવનાર અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા સહિત બીએમસી મુખ્યાલય, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, પેટ્રોલ પંપો, વિવિધ અદાલતો અને શાળાઓને નિશાન બનાવીને બોમ્બની ધમકીઓ આપનાર શખ્સ આખરે સુરક્ષા એજન્સીઓના સળિયા પાછળ પહોંચી ગયો છે. આ ગંભીર પ્રકરણનો પર્દાફાશ કરતા મુંબઈ પોલીસની ગુપ્તચર માહિતીના આધારે તમિલનાડુની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે. અમેરિકાથી પરત ફરી રહેલા આ શખ્સને ચેન્નાઈ એરપોર્ટ પર જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જેની ઓળખ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના રહેવાસી શરત સુબ્રહ્મણ્યમ શંકર તરીકે થઈ છે.

પકડાયેલ આરોપી સામાન્ય નાગરિક નહીં પરંતુ અમેરિકામાં કાર્યરત એક ઉચ્ચ શિક્ષિત ૨૮ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર છે, જે પોતાની ટેકનિકલ કુશળતાનો દૂરઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાને ચેલેન્જ આપી રહ્યો હતો. પ્રારંભિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ શખ્સે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન દેશની વિભિન્ન કાયદો અને વ્યવસ્થા સંભાળતી એજન્સીઓને ૧૫૦૦થી વધુ ધમકીભર્યા ઈમેલ મોકલ્યા છે. મુંબઈ પોલીસને આરોપીના એક ઈમેલમાંથી મહત્વપૂર્ણ ટેકનિકલ કડી મળી આવી હતી, જેના આધારે પોલીસે સાયબર સેલની મદદથી તેની પક્ડ માટે કડક જાળ બિછાવી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.

મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે આરોપી શરત સુબ્રહ્મણ્યમ શંકરનો સત્તાવાર કબ્જો મેળવ્યા બાદ તેની સઘન અને ઊંડી પૂછપરછ હાથ ધરશે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આટલી મોટી સંખ્યામાં બોમ્બની નકલી ધમકીઓ પાછળ તેનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું હતો, તે કોઈ આંતરરાષ્ટ્રીય અથવા ગુનાહિત કાવતરાનો હિસ્સો હતો કે કેમ, તેમજ આ કૃત્યમાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંભવિતપણે સામેલ છે કે નહીં. આ ધરપકડથી દેશભરમાં સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા સાયબર ગુનેગારો માટે એક કડક સંદેશ ગયો છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES