JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

બ્રિટનમાં નેટ માઈગ્રેશનમાં ૯૨ ટકાનો ઐતિહાસિક ઘટાડો, ભારતીયોના આગમનમાં પણ મોટો ઘટાડો

બ્રિટનમાં નેટ માઈગ્રેશનમાં ૯૨ ટકાનો ઐતિહાસિક ઘટાડો, ભારતીયોના આગમનમાં પણ મોટો ઘટાડો
બ્રિટનમાં વિદેશથી આવીને સ્થાયી થનારા લોકોની સંખ્યા છેલ્લા ૩૦ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. કડક વિઝા નિયમોને કારણે માર્ચ ૨૦૨૩ના રેકોર્ડ આંકડાની સરખામણીમાં નેટ માઈગ્રેશનમાં ૯૨ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જેમાં ભારતીયોની સંખ્યા પણ અડધી થઈ ગઈ છે.

બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં લાંબા ગાળાનું 'નેટ માઈગ્રેશન' એટલે કે દેશમાં આવનારા અને છોડીને જનારા લોકો વચ્ચેનો તફાવત ઘટીને માત્ર ૭૭,૦,૦૦ પર પહોંચી ગયો છે. જૂન ૨૦૨૬ના અંત સુધીના એક વર્ષના સમયગાળામાં નોંધાયેલો આ આંકડો છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી ઓછો છે. અગાઉ માર્ચ ૨૦૨૩માં આ આંકડો રેકોર્ડ ૯,૪૪,૦૦૦ પર પહોંચ્યો હતો, જેની સરખામણીએ વર્તમાન આંકડામાં સીધો ૯૨ ટકા જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો છે. અગાઉની કંઝર્વેટિવ સરકાર અને વર્તમાન લેબર સરકાર દ્વારા વિઝા નીતિઓમાં કરવામાં આવેલા કડક ફેરફારોને કારણે આ પરિવર્તન આવ્યું છે.

આંકડાકીય વિશ્લેષણ મુજબ, જૂન ૨૦૨૬ સુધીના એક વર્ષમાં કુલ ૭,૩૮,૦,૦ લોકો બ્રિટન આવ્યા હતા, જ્યારે તેની સામે ૬,૬૧,૦૦૦ લોકોએ બ્રિટન છોડી દીધું હતું. બ્રિટન આવનારા કુલ લોકોમાંથી ૭૫ ટકા હિસ્સો યુરોપ બહારના દેશોનો રહ્યો છે, જેમાં ૪૭ ટકા લોકો અભ્યાસ માટે, ૨૫ ટકા નોકરી માટે અને ૧૩ ટકા આશ્રય મેળવવાના હેતુથી આવ્યા હતા. બીજી તરફ, યુરોપિયન યુનિયનના દેશોમાંથી માત્ર ૭૯,૦૦૦ લોકો જ બ્રિટનમાં આવ્યા છે. ભૂતકાળમાં ડેવિડ કેમેરોને બહારથી આવતા લોકોની સંખ્યા હજારોમાં સીમિત રાખવાનું વચન આપ્યું હતું, જે લાંબો સમય વહી ગયા બાદ હવે વાસ્તવિકતામાં બદલાતું દેખાઈ રહ્યું છે.

બ્રિટનમાં સ્થાયી થનારા વિદેશી નાગરિકોમાં ભારતીયો હજુ પણ મોખરે છે, પરંતુ તેમની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. જૂન ૨૦૨૬ સુધીના વર્ષમાં ૧,૨૩,૦૦૦ ભારતીયો બ્રિટન ગયા હતા, જેમાં ૭૭,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૪૦,૦૦૦ પ્રોફેશનલ્સ સામેલ છે. આ આંકડો જૂન ૨૦૨૩માં નોંધાયેલા ૩,૦૭,૦૦૦ ભારતીયોની સરખામણીમાં ૫૦ ટકાથી પણ વધુ ઓછો છે. રસપ્રદ વાત એ છે કે, બ્રિટન છોડીને પરત ફરનારાઓમાં પણ ભારતીયો આગળ રહ્યા છે અને છેલ્લા એક વર્ષમાં ૮૫,૦૦૦ ભારતીયોએ બ્રિટનને અલવિદા કહ્યું છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES