અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુરોપમાં સૈન્ય આક્રમણ રોકવા અને યુક્રેન સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ રાજકીય હિલચાલ વચ્ચે જ રશિયન સંસદે આગામી વર્ષો માટેના ભારે ભરખમ બજેટને મંજૂરી આપી દીધી છે. નવા આયોજન મુજબ, રશિયાએ આગામી ત્રણ વર્ષ માટે આશરે $606 અબજ ડૉલર એટલે કે કુલ $590.6 અબજ ડૉલરનું સૌથી મોટું રક્ષણાત્મક ભંડોળ ફાળવ્યું છે, જે અગાઉના સૈન્ય બજેટ કરતા $121 અબજ ડૉલર વધુ છે. મોસ્કોના આ કદમથી સ્પષ્ટ થાય છે કે રશિયાની નજીકના ભવિષ્યમાં યુદ્ધવિરામ કરવાની કોઈ યોજના નથી અને તે પોતાની સૈન્ય તાકાત વધારવા પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આ ભારી-ભરખમ સૈન્ય ખર્ચને પહોંચી વળવા માટે રશિયન સરકારે સામાન્ય જનતા અને નાગરિક ક્ષેત્રો પર ભારે બોજ નાખ્યો છે. વર્ષ 2022થી શરૂ થયેલા આ યુદ્ધ પાછળ અત્યાર સુધીમાં આશરે $710 અબજ ડૉલર ખર્ચાઈ ચૂક્યા છે, જે 2029 સુધીમાં વધીને $1.3 ટ્રિલિયન ડૉલરને પાર પહોંચી જવાની સંભાવના છે. આ વધતા ખર્ચને પહોંચી વળવા માટે પુતિન સરકારે માઇનિંગ કંપનીઓ પર નવા કરવેરા લાદ્યા છે તેમજ નાગરિકોના રોકાણ પર આવકવેરો વધાર્યો છે. આર્થિક ખેંચીને કારણે હાઉસિંગ અને યુટિલિટીઝ પાછળના ખર્ચમાં 8 ટકા, સ્વાસ્થ્ય સેવામાં 3 ટકા અને પેન્શન તેમજ સામાજિક સહાયમાં 6 ટકાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી બાજુ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીનમાં થયેલી મુલાકાત દરમિયાન તેમણે પુતિનને યુરોપ અને યુક્રેન વિરુદ્ધનું સૈન્ય આક્રમણ પાછું ખેંચવા કહ્યું છે જેથી ઝડપથી કોઈ સમજૂતી પર પહોંચી શકાય. જો કે, આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિની વાતો વચ્ચે રશિયાની આર્થિક સ્થિતિ ભારે સૈન્ય ખર્ચ, પશ્ચિમી દેશોના પ્રતિબંધો, ઊંચા વ્યાજદરો અને શ્રમિકોની અછતને કારણે અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. યુક્રેન દ્વારા રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર સતત થઈ રહેલા હુમલાઓએ મોસ્કોની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આમ, વૈશ્વિક સ્તરે શાંતિ માટેના કૂટનીતિક પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે રશિયાનું આ રેકોર્ડબ્રેક સૈન્ય બજેટ આગામી સમયમાં ભીષણ યુદ્ધ ચાલુ રહેવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યું છે.
