દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સગીર વયની દીકરી સાથે અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મીઠાપુર વિસ્તારમાં રહેતી અંદાજે પોણા સત્તર વર્ષની સગીરાને અલગ-અલગ સમયગાળા દરમિયાન કેટલાક શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીઓએ સગીરાને ડરાવી-ધમકાવી તેમજ લલચાવી-ફોસલાવીને તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ હવસખોરોના પાશવી કૃત્યના કારણે સગીરા સગર્ભા બની હોવાની જાણ થતાં સમગ્ર પરિવાર અને પંથકમાં ભારે રોષ સાથે સનસનાટી મચી ગઈ છે.
આ ગંભીર અને સંવેદનશીલ મામલે સગીરાના પરિવારજનોએ હિમ્મત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો હતો અને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદને આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આ પ્રકરણમાં સંડોવાયેલા કુલ છ ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને સખત પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સગીરા હાલ સાત માસના ગર્ભથી હોવાનું મેડિકલ અને પોલીસ તપાસમાં સ્પષ્ટ થતાં આ ગુનાની ગંભીરતા અનેકગણી વધી ગઈ છે, જેને લઈને પોલીસ પ્રશાસન પણ સફાળું જાગ્યું છે અને આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી દેવાઈ છે.
આ ચકચારી પ્રકરણની તપાસ હાલ ખૂબ જ ઝીણવટભરી રીતે ચલાવવામાં આવી રહી છે. સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ મીઠાપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એ. ગરચર અને તેમની ટીમ દ્વારા આગળની કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સગીરાને ન્યાય અપાવવા માટે પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે અને આ પાપી કૃત્યમાં સંડોવાયેલા તમામ છ આરોપીઓને કાયદાના સળિયા પાછળ ધકેલવા માટેના ચક્રોગતિમાન કરી દીધા છે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.
