તેલંગાણાના નાગરકર્નુલ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ અને સ્થાનિક પ્રમુખોની સંગઠનાત્મક તાકાત સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસની સભાઓમાં મગફળી, લીલા વટાણા, ચા અને બિિસ્કિટ વેચનારા લોકો જેટલા પણ ભાજપના સભ્યો નથી અને આગામી સરકાર બનાવવાનો દાવો પોકળ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના નેતા નિતિન નવીનના તેલંગાણા પ્રવાસ બાદ શરૂ થયેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રેડ્ડીના આ નિવેદને રાજ્યમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપના નેતાઓએ પણ વળતો પ્રહાર કરતા કોંગ્રેસ સરકાર પર વચનો પૂરા ન કરવાનો અને હાઈકમાન્ડના એટીએમ તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ નિવેદનબાજી બાદ ભાજપના તેલંગાણાના પ્રમુખ એન. રામચંદ્ર રાવે રેવંત રેડ્ડી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અગાઉ તેઓ માત્ર ગાંધી પરિવારના ગુલામ લાગતા હતા પરંતુ હવે તેમના નિવેદનો પરથી સાબિત થાય છે કે તેઓ 'બ્રેઈન ચોરી'નો ભોગ બન્યા છે. રાવએ રેડ્ડીને તેમની ચૂંટણીમાં થયેલી હાર યાદ અપાવતા કહ્યું કે ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પોતે કામારેડ્ડી બેઠક પર ત્રીજા નંબરે રહ્યા હતા અને ભાજપે મલકગીરી તથા મહબૂબનગર જેવી બેઠકો પર જીત મેળવી હતી. ભાજપે કોંગ્રેસ સરકારને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, ખેડૂતોની મુશ્કેલીઓ, પેન્શન અને ચૂંટણીમાં આપેલા છ વચનોના અમલીકરણ જેવા ગંભીર મુદ્દાઓ પર ઘેરી હતી.
આ રાજકીય વિવાદ માત્ર વ્યક્તિગત ટિપ્પણીઓ પૂરતો મર્યાદિત ન રહેતા આગામી ચૂંટણીઓ અને પક્ષીય વર્ચસ્વની લડાઈમાં ફેરવાઈ ગયો છે. ભાજપે ચેતવણી આપી છે કે મુખ્યમંત્રીની આવી ભાષણબાજી ભવિષ્યમાં તેલંગાણા કોંગ્રેસ મુક્ત બનશે ત્યારે મતદારો ચોક્કસ યાદ રાખશે. એક તરફ કોંગ્રેસ સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓ અને જનસંપર્ક દ્વારા પોતાની સ્થિતિ મજબૂત કરવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ ભાજપ રાજ્ય સરકારની નિષ્ફળતાઓને જનતા સમક્ષ મૂકીને આક્રમક રણનીતિ અપનાવી રહી છે.
