JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરેન્દ્રનગરના થાનગઢમાં ખાણ-ખનીજ વિભાગના ધમાકેદાર દરોડા, રૂા. 90 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરના થાનગઢમાં ખાણ-ખનીજ વિભાગના ધમાકેદાર દરોડા, રૂા. 90 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરીને ગેરકાયદેસર રીતે થતું સફેદ માટીનું ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. વિભાગે હિટાચી મશીન, ડમ્પર અને ટ્રેક્ટર સહિત આશરે 90 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિઓ સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અધિકારી જે.એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય તપાસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે થાનગઢ તાલુકાના તરણેતર સીમ વિસ્તારમાં અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના અને વહેલી સવારના સમયે સરકારી જમીનમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી કે લીઝ વિના ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખોદકામ કરવામાં આવતું હોવાની ફરિયાદો મળી રહી હતી. સિરામિક ઉદ્યોગોમાં ભારે માંગ ધરાવતી આ સફેદ માટીની ચોરી કરીને તેને ડમ્પર અને ટ્રેક્ટર દ્વારા મોરબી, ધ્રાંગધ્રા અને થાનગઢ તરફ મોકલવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

જ્યારે ખાણ-ખનીજ વિભાગની ટીમ તરણેતર સીમમાં સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં હિટાચી મશીનની મદદથી મોટા પાયે સફેદ માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું અને વાહનોમાં માટી ભરવામાં આવી રહી હતી. વિભાગીય ટીમને જોતા જ કેટલાક શખ્સોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સજ્જડ ટીમ દ્વારા તેમને રોકીને કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન એક હિટાચી મશીન, એક ડમ્પર, એક ટ્રેક્ટર અને એક જનરેટર સહિત કુલ અંદાજે રૂા. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રામભાઈ બાવળીયા, જકાભાઈ ખમાણી, વશરામભાઈ સારદીયા અને અમરાભાઈ બલ્યા જેવા ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ ગેરકાયદેસર ખનનના કારણે માત્ર સરકારી રોયલ્ટીની મોટી ચોરી થતી નથી પરંતુ પર્યાવરણને પણ વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે ખોદકામના લીધે જમીનમાં પડેલા મોટા ખાડાઓ માનવીઓ અને પશુધન માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા હવે આ સમગ્ર વિસ્તારની માપણી કરીને ગેરકાયદેસર ખનનનું ચોક્કસ પ્રમાણ નક્કી કરવામાં આવશે અને નિયમોનુસાર ભારે દંડ તેમજ પોલીસ ફરિયાદ સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જિલ્લામાં કોઈપણ ભોગે ગેરકાયદેસર ખનન ચલાવી લેવામાં આવશે નહીં અને આવા દરોડા આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES