રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બુટલેગરો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે લીંબડી-રાજકોટ હાઇવે પર વોચ ગોઠવી હતી. સાયલા નજીક આવેલા ઢેઢુકી ટોલનાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક ટ્રકને અટકાવીને પોલીસ સબ-ઇન્સ્പെક્ટર બી.સી. મિયાત્રા અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી, જેણે દારૂના આ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રકની અંદરથી લોખંડના વાલનાં પાર્સલ ભરેલાં બોક્સ મળી આવ્યા હતા, જેની આડમાં અત્યંત ચતુરાઈપૂર્વક વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો. ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 10,608 બોટલો કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. 18,03,360 જેટલી થાય છે. આ ઉપરાંત, ટ્રકમાં ભરેલા લોખંડના વાલનાં 41 બોક્સની કિંમત રૂ. 94,37,721 આંકવામાં આવી છે. આમ, દારૂ, ટ્રક, મોબાઈલ અને કિંમતી સામાન સહિત કુલ રૂ. 1,22,81,081નો જંગી મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકરણમાં પોલીસે જૂનાગઢના રહેવાસી જાવીદ જાકીરહુશેન મટારી અને આરીફ હુસેનભાઇ સમા નામના બે શખ્સોને સ્થળ પરથી જ ઝડપી લીધા છે. પોલીસ પૂછપરછમાં આ ગેરકાયદેસર જથ્થો જૂનાગઢના તોસીફ નામના શખ્સે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને દારૂનો આ જથ્થો ભરી આપનાર મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય સંડોવાયેલા ઇસમોને ઝડપી પાડવા માટે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
