સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગરાભંડી ગામની સીમમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં ધજાળા પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. પોલીસ ચોક્કસ બાતમીના આધારે ગરાભંડી ગામની સીમમાં પહોંચી હતી અને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ વિસ્તારમાં કોઈપણ જાતના અધિકાર કે પરવાનગી વગર પ્રતિબંધિત માદક પદાર્થ એવા ગાંજાનું ખુલ્લેઆમ વાવેતર કરવામાં આવી રહ્યું હતું. પોલીસની આ અચાનક મળેલી એન્ટ્રીથી ગેરકાયદે પ્રવૃત્તિ આચરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પોલીસની આ સઘન તપાસ દરમિયાન સ્થળ પરથી ગાંજાના નાના-મોટા કુલ ૩૬ લીલા છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા આ તમામ છોડનું કુલ વજન અંદાજે ૮ કિલોગ્રામ જેટલું થવા જાય છે અને બજારમાં તેની કિંમત આશરે ૪ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. ગેરકાયદે માદક પદાર્થોના વેચાણ અને ઉત્પાદનને ડામવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રાઈવ અને કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જ આ મોટી સફળતા હાથ લાગી છે.
આ ગંભીર મામલામાં પોલીસે સક્રિયતા દાખવીને દીપકભાઈ પરસોત્તમભાઈ સરવૈયા નામના શખ્સ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટની કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી દીધો છે. પોલીસે ગાંજાના છોડને કબ્જે કરીને આ વાવેતર પાછળ અન્ય કયા કયા લોકો સંકળાયેલા છે અને આ માલ ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસની આ સરાહનીય કામગીરીથી અસામાજિક તત્વોમાં મોટો સંદેશો ગયો છે.
