ભારતીય દર્શકોની લાગણીઓ અને રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે પાકિસ્તાનમાં નિર્માણ પામેલી કોઈ પણ વેબ સિરીઝ કે ડિજિટલ સામગ્રી ભારતીય પ્લેટફોર્મ પર રિલીઝ કે સ્ટ્રીમ ન થાય તે કંપનીએ સુનિશ્ચિત કરવું પડશે. આ સમગ્ર વિવાદ નેટફ્લિક્સની પ્રથમ પાકિસ્તાની વેબ સિરીઝ ’જો બચે હૈં સંગ સમેટ લો’નું ટ્રેલર મંગળવારે રિલીઝ થયા બાદ વકર્યો છે, જેને લઈને દેશભરમાંથી ઉગ્ર વિરોધ નોંધાયો હતો અને મંત્રાલયને અનેક ફરિયાદો મળી હતી.
આગામી 4 ડિસેમ્બરે રિલીઝ થનારી આ સિરીઝ ભારતમાં પ્રસારિત થવાની સંભાવનાને પગલે સરકારે અગાઉના નિર્દેશો અને વચનોની યાદ અપાવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે નેટફ્લિક્સને 8 મે 2025ના રોજ જારી કરાયેલી એડવાઈઝરીનું પાલન કરવા સખત સૂચના આપી છે. આ ઉપરાંત, જૂન 2025માં કંપની દ્વારા સરકાર સમક્ષ કરાયેલા વચન પર અટલ રહેવા પણ આદેશ કરાયો છે, જેમાં કંપનીએ ભારતીય બજારમાં પાકિસ્તાની ફિલ્મો કે સિરીઝ ઉપલબ્ધ ન કરાવવાની લેખિત ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ સરકારે તમામ ઓટીટી પ્લેટફોર્મ્સને પાકિસ્તાની કન્ટેન્ટ હટાવી લેવા માટે આદેશ જારી કર્યો હતો.
સરકારની આ કડક કાર્યવાહીની સાથેસાથે દેશના અગ્રણી ફિલ્મ સંગઠનોએ પણ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. ’ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન’ (AICWA) અને ’ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ’ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે. AICWAના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ પાકિસ્તાન વિરુદ્ધ આકરા પ્રહાર કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતીય સિનેમા અને સ્ક્રીન પર કોઈપણ પાકિસ્તાની ચહેરા, અવાજ કે વાર્તા માટે ભવિષ્યમાં કોઈ સ્થાન હોઈ શકે નહીં.
