રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અન્વયે રાજકોટ રેન્જની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી લીંબડી-રાજકોટ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ બહારના રાજ્યમાંથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાત તરફ લાવવામાં આવી રહ્યો હતો.
આ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમે ઢેઢુકી ટોલનાકા પાસેથી શંકાસ્પદ અશોક લેલેન્ડ ટ્રકને અટકાવીને સઘન તલાશી લીધી હતી. ટ્રકમાંથી લોખંડના વાલના પાર્સલની આડમાં અત્યંત ચતુરાઈથી સંતાડેલો વિદેશી દારૂ અને બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૦,૬૦૮ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૧૮,૦૩,૩૬૦ જેટલી થાય છે. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય કાગળો સહિત કુલ રૂ. ૨૮,૪૩,૩૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સ્થળ પરથી જાવીદ જાકીરહુશેન મટારી અને આરીફ હુસેનભાઈ સમા નામના જૂનાગઢના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તોસીફ નામના શખ્સ સહિત માલ ભરી આપનાર અને અન્ય સંડોવાયેલા ઈસમો સામે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રકમાંથી મળી આવેલા લોખંડના વાલ ભરેલા બોક્સ પણ બી.એન.એસ.એસ. ની જોગવાઈઓ મુજબ અલગથી કબજે કરી આગળની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
