ભારતના લોકશાહીના પાયારૂપ ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાનને યાદ કરવા માટે ઉપલેટા શહેરના ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે સંવિધાન દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ અવસરે બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનો દ્વારા હારતોરા કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અને વંદના અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ભારતીય બંધારણના મૂળભૂત મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા, સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વના આદર્શોને યાદ કરી બંધારણ પ્રત્યે પોતાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ ભવ્ય આયોજન દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘બાબાસાહેબ અમર રહો’ અને ‘જય ભીમ જય ભારત’ના ગગનભેદી નારાઓથી સમગ્ર આંબેડકર ચોક ગુંજી ઉઠ્યો હતો. દેશભક્તિ અને સામાજિક એકતાના અદભુત માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સભ્ય લીલાબેન, વિજયભાઈ સોલંકી, જતિનભાઈ પરમાર, રાજભાઈ વાઢેર, પ્રફુલભાઈ પારઘી, અશ્વિનભાઈ લાડાણી સહિતના સમાજના આગેવાનો, મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સહભાગીઓએ ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્ર પ્રત્યેનો પોતાનો પ્રેમ અને સન્માન પ્રદર્શિત કર્યું હતું.
સંવિધાન દિવસની આ પ્રેરણાદાયી ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના મહાન વિચારો અને આદર્શોને પોતાના જીવનમાં ઉતારવાનો હતો. આજના આ અવસરે બંધારણના સન્માન સાથે લોકશાહીને વધુ મજબૂત બનાવવા, સમાજમાં પરસ્પર સમાનતા અને એકતાની ભાવના કાયમ જાળવી રાખવાનો સંદેશ પણ જનસમુદાયને આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમે ઉપલેટા શહેરમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
