પ્રખ્યાત સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આગામી ૪ ડિસેમ્બરે રિલીઝ થનારી પાકિસ્તાની રોમેન્ટિક ડ્રામા સીરિઝ 'જો બચે હૈ સંગ સમૈત લો' (Jo Bachay Hain Sang Samait Lo) વૈશ્વિક સ્તરે ચર્ચામાં છે. ફહરત ઇશ્તિયાકના લોકપ્રિય ઉર્દૂ નવલકથા પર આધારિત આ સીરિઝમાં ફવાદ ખાન, માહિરા ખાન અને હમઝા અલી અબ્બાસી જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. જો કે, ભારતમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની કન્ટેન્ટ પર પ્રતિબંધ હોવાથી કેન્દ્ર સરકારે નેટફ્લિક્સને આ મામલે કડક વલણ દાખવીને નિયમોનું પાલન કરવા યાદ અપાવ્યું છે, જેના કારણે આ પ્રોજેક્ટ સામે વિવાદોનું વાદળ છવાયું છે.
આ વિવાદ વચ્ચે સીરિઝના મુખ્ય અભિનેતા હમઝા અલી અબ્બાસી દ્વારા ૨૦૧૭માં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી એક પુરાણી સેલ્ફી ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરમાં તે ૨૬/૧૧ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને વૈશ્વિક સ્તરે આતંકવાદી જાહેર કરાયેલા હાફિઝ સાઈદ સાથે નજરે પડે છે. અબ્બાસીએ તે સમયે હાફિઝ સાઈદને "સૌથી નમ્ર વ્યક્તિ" અને પાકિસ્તાનમાં "સૌથી વધુ ગેરસમજ પામેલા વ્યક્તિ" ગણાવ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે આતંકવાદીનું સમર્થન કરનાર અભિનેતાને વૈશ્વિક પ્લેટફોર્મ પર સ્થાન આપવા બદલ નેટફ્લિક્સની આકરી ટીકા કરી છે અને તેને બેવડા ધોરણો ગણાવ્યા છે.
આ આલોચના માત્ર ભારતીય યુઝર્સ પૂરતી સીમિત નથી રહી, પરંતુ પાકિસ્તાનના નાગરિકો અને વકીલોએ પણ અભિનેતાના આ વર્તનની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. પાકિસ્તાની યુઝર્સે પણ પ્રશ્ન કર્યો છે કે આતંકવાદને પ્રોત્સાહન આપનાર વ્યક્તિને આટલા મોટા પ્રોજેક્ટમાં કેવી રીતે સ્થાન મળી શકે. ભારતીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની કન્ટેન્ટ પર લાગુ પ્રતિબંધનું નેટફ્લિક્સે ચુસ્તપણે પાલન કરવું પડશે અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
