JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ છતાં બેસવાની જગ્યા ન મળી: અસ્તિત્વમાં જ ન હોય તેવી સીટ ફાળવાતા રેલવેની ગંભીર બેદરકારી આવી સામે

ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ છતાં બેસવાની જગ્યા ન મળી: અસ્તિત્વમાં જ ન હોય તેવી સીટ ફાળવાતા રેલવેની ગંભીર બેદરકારી આવી સામે
વારાણસી સિટી-નેપાલગંજ રોડ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને ૫૨ બર્થવાળા કોચમાં ૫૪ નંબરની સીટ ફાળવવામાં આવી હતી. સોફ્ટવેરની આ ગંભીર ભૂલને કારણે અસ્તિત્વમાં ન હોય તેવી બર્થ ફાળવવાનો અજીબોગરીબ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભારતીય રેલવેમાં કન્ફર્મ ટિકિટ મેળવવી એ કોઈ જંગ જીતવા સમાન છે, પરંતુ ઈશાન બાજપાઈ નામના મુસાફર સાથે બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. ગત ૨૨ નવેમ્બરની રાત્રે આશરે ૧૦:૪૫ વાગ્યે તેઓ વારાણસી સિટી-નેપાલગંજ રોડ એક્સપ્રેસના એસી 2-ટાયર કોચ (A1)માં મુસાફરી કરવા માટે ચઢ્યા હતા. તેમની ટિકિટ પર CNF/A1/54/SU એટલે કે સાઇડ-અપર ૫૪ નંબરની બર્થ સંપૂર્ણપણે કન્ફર્મ દર્શાવવામાં આવી હતી. જોકે, જ્યારે તેઓ પોતાના કોચમાં સીટ શોધવા ગયા અને તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આશ્ચર્યજનક રીતે તે કોચમાં માત્ર ૫૨ બર્થ જ ઉપલબ્ધ છે.

આ અનોખી સમસ્યાથી મૂંઝવણમાં મુકાયેલા મુસાફરે તાત્કાલિક રેલવે હેલ્પલાઇન નંબર ૧૩૯ પર સંપર્ક કર્યો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વીડિયો શેર કરીને પોતાની આપવીતી રજૂ કરી હતી. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પૂર્વોત્તર રેલવેના વારાણસી ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr DCM) દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કમ્પ્યુટરાઈઝ્ડ સોફ્ટવેરમાં ખામી સર્જાવાને કારણે આ પ્રકારની ક્ષતિ થઈ હતી અને માત્ર ઈશાન બાજપાઈ જ નહીં પરંતુ અન્ય એક અન્ય મુસાફરને પણ આ જ રીતે અસ્તિત્વમાં ન હોય તેવી બર્થ ફાળવાઈ ગઈ હતી. જોકે, રેલવે પ્રશાસને તાત્કાલિક સક્રિયતા દાખવીને બંને મુસાફરોને તે જ કોચમાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી.

આ સમગ્ર ઘટના પાછળ રેલવે કોચની અલગ-અલગ બનાવટ અને ટેકનિકલ કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ભારતીય રેલવેમાં જૂના આઈસીએફ કોચમાં ૪૬ બર્થ હોય છે, જ્યારે નવા એલએચબી કોચમાં ૫૨ અથવા ૫૪ બર્થની ક્ષમતા હોય છે. આધુનિક ૫૨ બર્થવાળા એલએચબી કોચમાં વધારાની જગ્યાએ લિનન સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવે છે. જ્યારે મેઈન્ટેનન્સ દરમિયાન ૫૪ બર્થવાળા કોચને બદલે ૫૨ બર્થવાળો કોચ જોડવામાં આવે અને સિસ્ટમમાં ડેટા અપડેટ ન થાય, ત્યારે સોફ્ટવેર ખાલી ગણીને આવી અસ્તિત્વ વગરની બર્થ બુક કરી દે છે. રેલવે દ્વારા હાલ આ ટેકનિકલ ખામીને કાયમી ધોરણે સુધારવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES