જૂનાગઢના પ.કે. મંડળ સંચાલિત પ્રતિષ્ઠિત ઘોડાસરા મહિલા કોલેજ ખાતે ભારતીય સંવિધાન દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વિધિવત સંવિધાન પૂજનથી કરવામાં આવી હતી, ત્યારબાદ કોલેજના પ્રો. રમેશ સાગઠીયા દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકોને ભારતીય સંવિધાનના આમુખના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સામુહિક આમુખ વાચનથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને નાગરિકો તરીકેની આપણી પવિત્ર ફરજોનું સ્મરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. દિનેશચંદ્ર ડઢાણીયાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપતા એક પ્રાસંગિક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે નાગરિક ધર્મ, મૂળભૂત હકો સાથેની ફરજો, રાષ્ટ્રભાવના અને સ્વાવલંબી ભારતના નિર્માણ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીયતા અને બંધારણ વચ્ચેના અતૂટ સંબંધને ઉદાહરણો સાથે સમજાવીને વિદ્યાર્થીનીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરી હતી. આ વ્યાખ્યાન બાદ સંવિધાન વિષય પર એક વૈકલ્પિક પ્રશ્નાવલી (ક્વિઝ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની યુવતીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવામાં કોલેજના એન.એસ.એસ. (NSS) યુનિટની વિદ્યાર્થીનીઓ અને પ્રોગ્રામ ઓફિસર ડો. કવિબેન ઝાલાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ સફળ કાર્યક્રમ બદલ પ.કે. મંડળના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ, પ્રમુખ શિરીષભાઈ સાપરીયા, કોલેજના ઇન્ચાર્જ રતીભાઈ ભુવા સહિતના ટ્રસ્ટી મંડળે સંચાલકો અને વિદ્યાર્થીનીઓને હાર્દિક શુભકાભનાઓ પાઠવી હતી. ટ્રસ્ટીગણે આ સમગ્ર આયોજનને જ્ઞાનવર્ધક અને રાષ્ટ્રભાવના પ્રેરિત ગણાવીને ભવિષ્યમાં પણ આવા રચનાત્મક કાર્યો થકી યુવા પેઢીમાં સંવિધાન પ્રત્યેનો આદર વધારવા પર ભાર મૂક્યો હતો.
