ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૨૭ની આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો રાજકીય આંચકો સામે આવ્યો છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે બિજનૌર જિલ્લાની નહતૌર બેઠક પરથી વર્ષ ૨૦૨૨માં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ઓમ કુમારનું નિર્વાચન રદ કરી દીધું છે. આ સમગ્ર મામલો ૨૦૨૨ની ચૂંટણી દરમિયાન ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરવામાં આવેલા 'ફોર્મ-૨૬'ના સોગંદનામામાં નાણાકીય વિગતો છુપાવવા અથવા અધૂરી વિગતો આપવા સાથે જોડાયેલો છે. નિયમ મુજબ પાંચ નાણાકીય વર્ષની આવકની વિગતો આપવી ફરજિયાત હતી, પરંતુ ધારાસભ્ય દ્વારા માત્ર એક જ વર્ષની આવક દર્શાવીને બાકીના ચાર વર્ષના ખાના ખાલી છોડી દેવામાં આવ્યા હતા, છતાં ચૂંટણી તંત્ર દ્વારા આ ગંભીર ત્રુટિ નજરઅંદાજ કરી ઉમેદવારી પત્ર સ્વીકારી લેવામાં આવ્યું હતું.
આ કાનૂની લડાઈમાં ૨૦૨૨ની ચૂંટણીના પરિણામોનું પાસસું પણ ધ્યાને લેવા જેવું છે, જ્યાં ભાજપના ઉમેદવાર ઓમ કુમાર માત્ર ૨૫૮ મતના અત્યંત સામાન્ય અંતરથી વિજયી બન્યા હતા. તેમને કુલ ૭૭,૯૩૫ મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવારને ૭૭,૬૭૭ મત પ્રાપ્ત થયા હતા. આટલા પાતળા માર્જિનથી જીત મેળવનાર ઉમેદવારના સોગંદનામામાં આટલી મોટી ક્ષતિ હોવા છતાં ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ન્યાયમૂર્તિ સલિલ કુમાર રાયે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચુકાદાઓને ટાંકીને સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૯(૧)(એ) અંતર્ગત દરેક મતદારોને પોતાના ઉમેદવારની નાણાકીય પૃષ્ઠભૂમિ અને પારદર્શિતા જાણવાનો મૂળભૂત અધિકાર છે. સોગંદનામામાં આવી મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવવી એ સીધી રીતે ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરે છે, જેને અદાલતે ગંભીરતાથી લીધી છે.
હાઇકોર્ટના આ કડક નિર્ણય બાદ હવે રાજકીય ગલિયારામાં ભારે હલચલ મચી ગઈ છે, કારણ કે લગભગ સમગ્ર કાર્યકાળ પૂર્ણ થયા બાદ અને આગામી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ ચુકાદો આવ્યો છે. અદાલતે આ નિર્ણયની સત્તાવાર જાણકારી ભારતના ચૂંટણી પંચ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપવા આદેશ કર્યો છે. સાથે જ, ચુકાદા પર ૧૫ દિવસની આંશિક રોક લગાવતી વેળાએ એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન સંબંધિત ધારાસભ્ય ગૃહની અંદર મતદાન કરી શકશે નહીં કે ધારાસભ્ય તરીકે કોઈ પણ પ્રકારના નાણાકીય લાભો મેળવી શકશે નહીં. વિપક્ષી પાર્ટીઓ હવે ચૂંટણી તંત્ર અને સત્તા પક્ષની મિલીભગત સામે સવાલો ઉઠાવી રહી છે કે જો શરૂઆતમાં જ કડક કાર્યવાહી થઈ હોત તો સ્થિતિ અલગ હોત.
