ભારતીય ઉપભોક્તા બજારમાં હવે પરંપરાગત રિફ્રેશમેન્ટ્સ ઉપરાંત વધારાના સ્વાસ્થ્ય અને કાર્યાત્મક ફાયદાઓ આપતા પીણાંઓનું ચલણ तेजीથી વધી રહ્યું છે. ડોલટ કેપિટલના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬માં આ બજાર અંદાજે રૂ. ૧.૪૦ લાખ કરોડનું હોવાનો અંદાજ છે, જે આગામી વર્ષોમાં બમણી ગતિએ આગળ વધશે. ગ્રાહકોની બદલાતી જીવનશૈલી અને ફિટનેસ પ્રત્યેની જાગૃતિને કારણે એફએમસીજી કંપનીઓ પોતાના પોર્ટફોલિયોમાં મોટા ફેરફારો કરી રહી છે. ખાસ કરીને એનર્જી ડ્રિંક્સ અને એડવાન્સ્ડ હાઇડ્રેશન પ્રોડક્ટ્સ ઉદ્યોગના સરેરાશ વિકાસ દર કરતાં પણ બમણી ઝડપે આગળ વધી રહ્યા છે, જે બજારમાં નવી તકોનું સર્જન કરી રહ્યા છે.
આ વૃદ્ધિમાં એનર્જી ડ્રિંક્સ અને હાઇડ્રેશન સોલ્યુશન્સ સૌથી મોટો ફાળો આપી રહ્યા છે, જેનો ગ્રોથ રેટ અનુક્રમે ૨૫.૬ ટકા અને ૩૦.૨ ટકા રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૯,૩00 કરોડનું કદ ધરાવતું એનર્જી ડ્રિંક માર્કેટ વર્ષ ૨૦૩૦ સુધીમાં વધીને રૂ. ૨૯,૦૦૦ કરોડ થવાની આશા છે. બીજી તરફ, એડવાન્સ્ડ હાઇડ્રેશન પ્રોડક્ટ્સ માત્ર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર પૂરતાં મર્યાદિત ન રહેતાં સ્પોર્ટ્સ અને ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેનિશમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. એચયુએલ (HUL) અને ટાટા કન્ઝ્યુમર જેવી દિગ્ગજ કંપનીઓએ પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરી લીધી છે, જેના કારણે બજારમાં સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.
આ સાથે જ, પ્રોટીન આધારિત ઉત્પાદનો હવે માત્ર જિમ સપ્લીમેન્ટ્સ પૂરતા સીમિત ન રહેતા સામાન્ય ગ્રાહકો માટે રેડી-ટુ-ડ્રિંક વિકલ્પો તરીકે ઉપલબ્ધ થઈ રહ્યા છે. બજારમાં ઓછી ખાંડવાળા વિકલ્પોની વધતી માંગને ધ્યાનમાં રાખીને વરુણ બેવરેજીસ જેવી કંપનીઓએ મિડ-પ્રાઈસ્ડ સેગમેન્ટમાં 'એડ રશ' અને પ્રીમિયમ મિક્સર્સમાં 'એવરવેસ' લોન્ચ કર્યા છે. પીણાં ઉપરાંત કંપનીઓ પ્રોટીનયુક્ત ખોરાક અને હેલ્થ-ફોકસ પ્રોડક્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે ભારતીય કન્ઝ્યુમર ગુડ્સ માર્કેટમાં એક મોટા પરિવર્તનની સાક્ષી પૂરે છે.
