JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

એક જ વર્ષમાં ૮૫,૦૦૦ ભારતીયોએ બ્રિટન છોડ્યું, ઇમિગ્રેશનના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો

Jamnagar Mirror
યુકેના તાજેતરના માઇગ્રેશન ડેટા અનુસાર એક જ વર્ષમાં ૮૫,૦૦૦ જેટલા ભારતીયોએ બ્રિટન છોડી દીધું છે, જેમાં વિદ્યાર્થીઓ અને વર્ક વિઝા ધારકોનું પ્રમાણ સૌથી વધુ છે. આ યાદીમાં ૫૧,૦૦૦ નાગરિકો સાથે ચીન બીજા ક્રમે રહ્યું છે.

યુકેની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના માઇગ્રેશન આંકડાઓએ શૈક્ષણિક અને વ્યાવસાયિક વર્તુળોમાં વ્યાપક ચર્ચા જગાવી છે. જૂન ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, બ્રિટન છોડનારા વિઝાધારકોમાં ભારતીયો મોખરે છે, જેમાં અંદાજે ૫૫,૦૦૦ સ્ટુડન્ટ વિઝા અને ૨૮,૦၀၀ વર્ક વિઝા ધરાવતા ભારતીયોનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય કેટેગરીના બે હજાર ભારતીયોએ પણ યુકેને અલવિદા કહ્યું છે. નોન-યુરોપિયન દેશોમાંથી ઇમિગ્રેશન કરનારાઓમાં ભારતીયોનું આ પ્રમાણ સૌથી વધુ હોવાનું એજન્સીના તારણમાં સામે આવ્યું છે, જ્યારે ૫૧,૦૦૦ ની સંખ્યા સાથે ચીની નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે છે.

આ નવો ટ્રેન્ડ મુખ્યત્વે નવેમ્બર ૨૦૨૫થી જોવા મળી રહ્યો છે અને ભારત, ચીન, નાઇજીરિયા તેમજ પાકિસ્તાન જેવા બિન-યુરોપિયન દેશોમાં તેનું પ્રમાણ વિશેષ છે. જો કે, આ ઘટાડા છતાં પણ યુકેના ઇમિગ્રેશનમાં ભારતીયો હજુ પણ મોખરે છે, જ્યાં હાલમાં ૭૭,૦૦૦ ભારતીયો સ્ટુડન્ટ વિઝા પર અને બીજા ૪૦,૦૦૦ લોકો વર્ક વિઝા પર યુકેમાં ઉપસ્થિત છે. ઓએનએસના આ અહેવાલ સાથે યુકે હોમ ઓફિસે ગેરકાયદેસર માઇગ્રેશન અને આશ્રયના દાવાને લગતા ચોંકાવનારા આંકડા પણ જાહેર કર્યા છે, જે બ્રિટિશ સરકારની ઇમિગ્રેશન નીતિઓની કડકાઈ દર્શાવે છે.

બ્રિટિશ સરકાર દ્વારા નેટ ઇમિગ્રેશનમાં ઘટાડો કરવો એ હંમેશાથી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે અને તેના પરિણામો પણ હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. તાજેતરના સરકારી આંકડા મુજબ યુકેમાં કુલ ઇમિગ્રેશન ૮.૯૩ લાખથી ઘટીને ૭.૩૮ લાખ પર આવી ગયું છે. આ ઉપરાંત, ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર ૩૧,૦૦૦ જેટલા લોકો પકડાયા છે, જેમાંથી ૮૬ ટકા લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે માઇગ્રેશનમાં આવેલો આ નોંધપાત્ર ઘટાડો અચાનક નથી થયો, પરંતુ વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા સખત અને સમયસરના પગલાંઓનું સકારાત્મક પરિણામ છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES