આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના બદલાતા યુગમાં પોતાના સોફ્ટવેર વ્યવસાયને સંપૂર્ણપણે નવો આકાર આપવા માટે એસએપી એસઈ (SAP SE) એ એક મોટું પગલું ભર્યું છે. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની ઓછામાં ઓછી ૧૦,૦૦૦ જગ્યાઓ પર કાપ મૂકવાની ગંભીર યોજના બનાવી રહી છે. આ રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયાથી કંપનીના વૈશ્વિક સ્ટાફમાંથી ઓછામાં ઓછા ૯ ટકા કર્મચારીઓ પ્રભાવિત થઈ શકે છે, જો કે શ્રમ યુનિયનો સાથેની મંત્રણા બાદ આ આંકડામાં ફેરફાર પણ થઈ શકે છે.
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્રશ્ચિયન ક્લેઇન દ્વારા એઆઈ-ફર્સ્ટ રણનીતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કંપનીએ આ વર્ષે પોતાના એક્ઝિક્યુટિવ બોર્ડમાં બે વખત મોટા ફેરફારો કર્યા છે. આ વ્યુહરચના હેઠળ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ અને સેલ્સ ડિપાર્ટમેન્ટ્સને વિશેષ પ્રાથમિકતા આપીને તમામ વિભાગો પાસેથી સંભવિત કપાત માટેના વિસ્તૃત અહેવાલો માંગવામાં આવ્યા છે. અગાઉ પણ એસએપી દ્વારા વર્ષ ૨૦૨૪માં સમાન પ્રકારની પુનર્રચના કરવામાં આવી હતી, જેમાં સ્વૈચ્છિક નિવૃત્તિ અને કર્મચારીઓની પુનઃતાલીમ દ્વારા આખી પ્રક્રિયા સંભાળવામાં આવી હતી.
જર્મનીના વાલ્ડોર્ફ ખાતે મુખ્ય મથક ધરાવતી આ કંપની તેના સંગઠનાત્મક માળખાને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સુસંગત રાખવા માટે સતત સમીક્ષા કરી રહી છે. હાલમાં જ નાણાકીય અધિકારી ડોમિનિક અસામે પણ સંકેત આપ્યા હતા કે કંપનીનું કર્મચારી સંચાલન આવનારા સમયમાં બદલાઈ શકે છે. ટેકનોલોજી જગતમાં થઈ રહેલા આ આશ્ચર્યજનક બદલાવથી સોફ્ટવેર સેક્ટરમાં એઆઈ ટેકનોલોજીનું મહત્ત્વ વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે અને કંપનીઓ ભવિષ્યની જરૂરિયાતો માટે પોતાને સજ્જ કરી રહી છે.
