અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ GIDCમાં સ્થાનિક રહીશો અને નોકરિયાત વર્ગ માટે નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારના જાહેર માર્ગો પર બેફામપણે કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઓઢવ ફાયર સ્ટેશન BRTS બસ સ્ટેન્ડની સામે, એલ રોડ નંબર ૨૩, ચામુંડા માતાજી મંદિર, ટી.કે. પેટ્રોલ પંપ અને એસબીઆઈ બેંક જેવા વ્યસ્ત અને મુખ્ય વિસ્તારોની આસપાસ પાણી ભરાયેલા રહે છે. આ માર્ગો પરથી પસાર થવું સ્થાનિકો અને રાહદારીઓ માટે કોઈ યુદ્ધ જીતવા સમાન બની ગયું છે.
આ વિસ્તાર એક ધમધમતો ઔદ્યોગિક પટ્ટો હોવાથી અહીંથી દરરોજ હજારોની સંખ્યામાં શ્રમિકો, કામદારો અને નોકરિયાત મહિલાઓ અવરજવર કરે છે. વાહનચાલકો ઉપરાંત પગપાળા ચાલતા લોકોએ પણ આ જોખમી અને દુર્ગંધયુક્ત કેમિકલવાળા પાણીમાંથી મજબૂરીવશ પસાર થવું પડે છે. સતત ભરાઈ રહેતા આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે અને તેના સંપર્કમાં આવવાથી ચામડીના ગંભીર રોગો થવાની પૂરી શક્યતા છે. સમયસર કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક નાગરિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને જવાબદાર તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો અને લેખિત દરખાસ્તો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતા અને બેદરકારીને કારણે સામાન્ય જનતા અને શ્રમિક વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. આ સ્થિતિમાંથી કાયમી છુટકારો મેળવવા માટે સ્થાનિક લોકો અને રાહદારીઓએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે, જાહેર માર્ગો પર કેમિકલયુક્ત પાણી છોડતા બેજવાબદાર ઔદ્યોગિક એકમો સામે કડક દંડાત્મક પગલાં લેવામાં આવે અને ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા વહેલી તકે ગોઠવવામાં આવે.
