JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

પાદરાના આર્કિટેક્ટ મનોજ પટેલની વૈશ્વિક સિદ્ધિ, વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલમાં પ્રોજેક્ટ ફાઇનલિસ્ટ બન્યો

પાદરાના આર્કિટેક્ટ મનોજ પટેલની વૈશ્વિક સિદ્ધિ, વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલમાં પ્રોજેક્ટ ફાઇનલિસ્ટ બન્યો
પાદરાના પ્રતિભાશાળી આર્કિટેક્ટ મનોજ પટેલે આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. વડોદરા નજીક નિર્મિત તેમના પર્યાવરણલક્ષી ફાર્મહાઉસ પ્રોજેક્ટની વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ-૨૦૨૬ માટે ફાઇનલિસ્ટ તરીકે પસંદગી થતાં દેશનું ગૌરવ વધ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય જગતમાં ભારતનું નામ રોશન કરતા પાદરાના વતની અને વડોદરા સ્થિત મનોજ પટેલ ડિઝાઇન સ્ટુડિયોના પ્રિન્સિપલ આર્કિટેક્ટ મનોજ રમેશભાઈ પટેલે એક અનોખી સિદ્ધિ હાસલ કરી છે. વિશ્વભરમાં સૌથી મોટા અને લાઇવ જ્યુરી આધારિત પ્રતિષ્ઠિત સ્થાપત્ય મહોત્સવ ગણાતા 'વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ-૨૦૨૬'માં તેમના અદભુત પ્રોજેક્ટને ફાઇનલિસ્ટ તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે. આ વૈશ્વિક મંચ પર વર્ષ ૨૦૨૬ દરમિયાન સમગ્ર વિશ્વમાંથી કુલ 416 પ્રોજેક્ટ્સને જ ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના આ યુવા આર્કિટેક્ટના નામે સ્થાન મેળવવું એ સમગ્ર રાજ્ય માટે ગર્વની બાબત છે. આ પ્રોજેક્ટ્સનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવા માટે વિશ્વના 37 દેશોમાંથી કુલ 164 જેટલા દિગ્ગજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો જ્યુરી સભ્યો તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ફોર્ટ લોડરડેલ શહેરમાં તાજેતરમાં એટલે કે 18થી 20 નવેમ્બર દરમિયાન આ ભવ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક પ્લેટફોર્મ પર આર્કિટેક્ટ મનોજ પટેલે વડોદરા નજીક પોતાના હાથે નિર્મિત સેલ્ફ-સસ્ટેનિંગ (સ્વાવલંબી) ફાર્મહાઉસ પ્રોજેક્ટની પ્રભાવશાળી રજૂઆત આંતરરાષ્ટ્રીય જ્યુરી સમક્ષ કરી હતી. તેમની આ ડિઝાઇને વિશ્વભરના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું હતું કારણ કે તેમાં આધુનિક વિજ્ઞાન અને કુદરત વચ્ચેનો અદ્ભુત તાલમેલ જોવા મળે છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર એક ઇમારત નથી પરંતુ પર્યાવરણ સાથે તાલ મિલાવતું જીવંત સ્થાપત્ય છે, જેને વૈશ્વિક સ્તરે પણ ભારે પ્રશંસા મળી છે.

આ પ્રોજેક્ટમાં ગુજરાતની પરંપરાગત સ્થાપત્યકળા અને આધુનિક પર્યાવરણલક્ષી અભિગમનો અત્યંત સુંદર સમન્વય જોવા મળે છે. આ ડિઝાઇનમાં ઇંટોના નવીન પ્રયોગો, બાંધકામ ક્ષેત્રે વપરાતી સામગ્રીનો પુનઃઉપયોગ (રીસાઇકલિંગ) તેમજ સ્થાનિક આબોહવા અને વાતાવરણને સંપૂર્ણપણે અનુરૂપ ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી આ સફળતા માત્ર મનોજ પટેલ માટે જ નહીં, પરંતુ ભારતીય સ્થાપત્ય કલા અને ડિઝાઇનર્સ માટે પણ એક નવું સીમાચિહ્ન સાબિત થઈ છે, જે ભવિષ્યના આર્કિટેક્ટ્સને પરંપરા અને પર્યાવરણના સુમેળ સાથે કામ કરવા માટે પ્રેરણા પૂરતી પાડશે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES