જૂનાગઢમાં શ્રમજીવી યુવકની ઘાતકી હત્યાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. મૃતક સમીર હનીફ શેખ (ઉં.વ. 27) કલરકામની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આશરે એક વર્ષ અગાઉ એક દરગાહ ખાતે તેની મુલાકાત નાશીરખાન પઠાણ સાથે થઈ હતી, જે પાછળથી ગાઢ મિત્રતામાં પરિણમી હતી. આ મિત્રતાના સંબંધો દરમિયાન સમીરે પોતાના પિતા માટે રિક્ષા ખરીદવા અને પોતાના માટે એક્ટિવા લેવા માટે નાશીરખાન પાસેથી 40-40 હજાર રૂપિયા એમ કુલ 80 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ નાણાકીય લેવડ-દેવડ જ બે મિત્રો વચ્ચે કાળમુખી સાબિત થઈ હતી.
પૈસા લીધા બાદ સમીર આર્થિક મુશ્કેલીઓને કારણે સમયસર નાણાં પરત ચૂકવી શક્યો ન હતો, જેને લઈને નાશીરખાન અવારનવાર તેને ધમકીઓ આપતો અને માનસિક ત્રાસ આપતો હતો. આખરે આ રકમ વસૂલવા માટે નાશીરખાન અને તેના પિતા દાઉદખાને એક ખતરનાક કાવતરું ઘડ્યું. આ યોજનાના ભાગરૂપે આરોપીઓએ સમીરને પોતાના ઘરે કલરકામ કરવાનું બહાનું ધરીને બોલાવ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ પિતા-પુત્રએ સોચીસમજીને સમીરને પીવાની લસ્સીમાં ઘેનની ટીકડાં ભેળવીને પીવડાવી દીધા હતા, જેના કારણે તે થોડી જ વારમાં ગાઢ બેભાનાવસ્થામાં સરી પડ્યો હતો.
યુવક બેભાન થઈ જતાં જ આરોપીઓએ તેને પોતાના એક્ટિવા વાહનની વચ્ચે બેસાડી દીધો અને કોઈને શંકા ન જાય તે રીતે ભાદર નદી સુધી લઈ ગયા. ત્યાં તેમણે નિર્દયતાપૂર્વક બેભાન અવસ્થામાં જ સમીરને નદીમાં ફેંકી દીધો, જેના કારણે તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ મામલે જેતપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે જૂનાગઢ પોલીસના સહયોગથી બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
