વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં છેલ્લા બે મહિનાથી વિવિધ વિસ્તારોમાં દીપડાની દિનપ્રતિદિન વધતી અવરજવરને કારણે ખેડૂતોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો અગાઉ લીમડાના મુવાડા અને છાલીયેર માર્ગ પર દીપડાએ લટાર મારી હતી, જેના પગલે વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. આ દરમિયાન દરકુડી ગામના ખેતરોમાં રાત્રિના સમયે દીપડાની પ્રત્યક્ષ હાજરી જોવા મળતાં લોકોની ચિંતામાં વધુ વધારો થયો છે. અગાઉ સાપિયા ગામે બે દીપડા વચ્ચેની લડાઈમાં તેઓ કૂવામાં ખાબકવાની ઘટના અને ત્યારબાદ બચ્ચાં દેખાયાની ઘટનાઓથી પંથકમાં વન્યજીવનો ત્રાસ સતત વધી રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
દરકુડી ગામના જાગૃત ખેડૂત ભાવેશ રંગીત રાઠોડ પોતાના તમાકુના પાકની સુરક્ષા અને રખેવાળી માટે રાત્રિના સમયે ખેતરમાં આવેલા લીમડાના વૃક્ષ પર માળો બાંધીને રોકાણ કરી રહ્યા હતા. રાત્રે અંદાજે 9:24 વાગ્યાના અરસામાં વૃક્ષની નીચે કંઈક ખખડાટ થવાનો શંકાસ્પદ અવાજ સંભળાતા તેમણે બેટરીનો પ્રકાશ ફેંકીને નીચે જોયું હતું. નીચે મોજૂદ ભયજનક વન્યજીવ દીપડાને નજરે જોતા જ ખેડૂતની હાલત હચમચી ગઈ હતી અને તેમના હાજા ગગડી ગયા હતા. જોકે, આવી વિકટ અને જોખમી પરિસ્થિતિમાં પણ તેમણે અદ્ભુત હિંમત દાખવીને પોતાના મોબાઈલ ફોનમાં દીપડાની આ સ્પષ્ટ તસવીર કેદ કરી લીધી હતી.
આ ઘટના બાદ ખેડૂતે ખેતરમાં દીપડાના દર્શન થયા હોવાના મેસેજ અને ફોટા સ્થાનિક વોટ્સએપ ગ્રૂપમાં વાયરલ કરતા જ લટવા અને દરકુડી સહિત આસપાસના અનેક ગામડાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દીપડાના સતત વધતા ખૌફને કારણે ખેડૂતો અંધારામાં કે રાત્રિના સમયે પોતાના ખેતરે જવા માટે ગભરાઈ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વન વિભાગ દ્વારા દીપડાની અવરજવર વાળા આ વિસ્તારોમાં સઘન અને અસરકારક શોધખોળ હાથ ધરવામાં આવે તથા વહેલી તકે આ વન્યજીવોને સુરક્ષિત રીતે પકડીને યોગ્ય જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે તેવી ઉગ્ર માંગ ડેસર તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
