ડભોઇ તાલુકાના મોતીપુરા ગામના ખેડૂતો માટે આ સિઝન ભારે નિરાશાજનક સાબિત થઈ છે, જ્યાં અન્નદાતાઓએ પોતાના ખેતરમાં અથાક પરિશ્રમથી ઉગાડેલી ગલગોટાના ફૂલોની આખી ગાડી રસ્તાની બાજુના ખાડામાં ખાલી કરી દેવી પડી છે. તાજેતરમાં જ તહેવારોની મોસમ દરમિયાન આ જ ફૂલો બજારમાં પ્રતિ કિલો ૧૫૦ રૂપિયા કે તેથી પણ વધુ ઊંચા ભાવે વેચાતા હતા, જેના કારણે ખેડૂતોને સારો નફો મળવાની આશા હતી. પરંતુ શિયાળાની શરૂઆત થતા જ બજારનું ચિત્ર એકદમ બદલાઈ ગયું છે અને અચાનક ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે.
સ્થાનિક બજારોમાં શિયાળાના આગમન સાથે જ ગલગોટાના ફૂલોની આવકમાં જબરદસ્ત વધારો નોંધાયો છે, જેના પરિણામે માંગની સરખામણીએ પુરવઠો ખૂબ વધી ગયો છે. માંગ ઘટવા અને આવક વધવાને કારણે બજારમાં ગલગોટાના ભાવ તળિયે બેસી ગયા છે અને ગગડીને માત્ર ૮ થી ૧૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આટલા ઓછા ભાવ મળવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે કારણ કે હાલના બજારભાવમાં તો ખેતરમાંથી ફૂલ ઉતારવાની મજૂરી અને તેને માર્કેટ સુધી પહોંચાડવા માટેનું વાહન ભાડું પણ નીકળે તેમ નથી.
મહેનતનું યોગ્ય વળતર મળવાને બદલે ઉલટાનું ખિસ્સામાંથી નાણાં ખર્ચવાનો વારો આવતા ડભોઇના આ ખેડૂતો ભારે રોષ અને લાચારી અનુભવી રહ્યા છે. આર્થિક નુકસાનનો પહાડ વરસી પડતાં અંતે તેમણે પોતાનો તૈયાર પાક રસ્તા પર જ ફેંકી દેવાનો અસહ્ય નિર્ણય લેવો પડ્યો હતો. ખેતીના વધતા જતા ખર્ચ સામે પાકનાં પૂરતાં પોષણક્ષમ ભાવ ન મળવાની આ ઘટના અન્નદાતોઓની દયનીય અને ચિંતાજનક વાસ્તવિકતા ઉજાગર કરે છે.
