JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

પાકિસ્તાની વેબ સિરીઝ ’બચ્ચે હૈં સંગ સમેટ લો’ સામે ભારતમાં ભારે વિરોધ, રિલીઝ અટકાવવા વડાપ્રધાન મોદીને લખાયો પત્ર

પાકિસ્તાની વેબ સિરીઝ ’બચ્ચે હૈં સંગ સમેટ લો’ સામે ભારતમાં ભારે વિરોધ, રિલીઝ અટકાવવા વડાપ્રધાન મોદીને લખાયો પત્ર
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને આગામી પાકિસ્તાની વેબ સિરીઝની રિલીઝ રોકવા અને દેશમાં તમામ પાકિસ્તાની કન્ટેન્ટ પર કાયમી પ્રતિબંધ મૂકવા વડાપ્રધાન મોદી સમક્ષ માંગ કરી છે.

મુંબઈના મનોરંજન જગતમાં હાલ પાકિસ્તાની કલાકારોની આગામી વેબ સિરીઝને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે, જેમાં આગામી 4 ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી પાકિસ્તાની વેબ સિરીઝ ’બચ્ચે હૈં સંગ સમેટ લો’ના પ્રસારણ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ વેબ સિરીઝમાં ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર અને સમન અન્સારી જેવા જાણીતા પાકિસ્તાની કલાકારો મુખ્ય ભૂમિકામાં નજરે પડવાના છે, જેનો દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

આ એસોસિએશને પોતાના પત્રમાં આક્રમક રૂખ અપનાવતા ગંભીર આક્ષેપો કર્યા છે કે આ સિરીઝમાં કામ કરનારા કેટલાક કલાકારો અગાઉ ભારત વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપી ચૂક્યા છે. આ કલાકારો આતંકવાદને પ્રોત્સાહન આપતા રાષ્ટ્ર સાથે સંકળાયેલા હોવાથી તેઓ ક્યારેય ભારતનું હિત ઈચ્છી શકે નહીં. અગાઉ પુલવામા અને પહેલગામ જેવા ગંભીર હુમલાઓ બાદ પણ ભારતમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા અગાઉ 8 મે, 2025ના રોજ તમામ ઓટીટી પ્લેટફોર્મ્સ અને સ્ટ્રીમિંગ સેવાઓને પાકિસ્તાની વેબ સિરીઝ, ગીતો અને પોડકાસ્ટનું પ્રસારણ બંધ કરવા માટે વિશેષ એડવાઈઝરી પણ જારી કરવામાં આવી હતી.

AICWAના પ્રમુખ સુરેશ ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ પ્રકારની વેબ સિરીઝની રિલીઝ એ સરકારની એડવાઈઝરી અને દેશની ભાવનાઓની સીધી અવગણના સમાન છે. એસોસિએશને માંગ કરી છે કે ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટના પ્રસારણને રોકવા માટે હવે કડક કાયદો બનાવવો જોઈએ અને નિયમ તોડનારાઓ સામે દંડની જોગવાઈ થવી જોઈએ. આ સાથે જ, નેટફ્લિક્સ અને અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સે પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને કોઈપણ પાકિસ્તાની કાર્યક્રમો કે મનોરંજન સામગ્રી ન દર્શાવવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES