ભારતીય સેનાના પરાક્રમ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની આધુનિક સજ્જતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડતા જામનગર-અમૃતસર નેશનલ હાઈવે પર સેનાના ચાર નાના વિમાનો ઉતારવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના બકુલા ગામ પાસે આવેલા ટોલ પ્લાઝા નજીક હાઈવેના પટ પર સેનાની સાહસિક 'માઉન્ટેન ઈગલ્સ' વિંગના વિમાનોએ કોઈ પણ મુશ્કેલી વગર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું અને ત્યારબાદ સફળતાપૂર્વક ટેક-ઓફ પણ કરી ગયા હતા. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અને ભારતીય સેનાના સંયુક્ત સંકલનથી આ ભવ્ય અને સુરક્ષિત પ્રદર્શન પાર પાડવામાં આવ્યું હતું, જેણે દેશના માળખાકીય વિકાસની મજબૂતાઈ સાબિત કરી છે.
આ સમગ્ર કામગીરી ભારતીય સેનાની 'માઉન્ટેન ઈગલ્સ' ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા 'વિંગ્સ ઓફ વેલર એન્ડ યુનિટી એક્સિડિશન' (અભિયાન) અંતર્ગત કરવામાં આવી છે. આ ચાર વિમાનોના વિશેષ કાફલામાં બે ફિક્સ વિંગ માઈક્રોલાઈટ અને બે ફ્લેક્સિબલ-વિંગ પાવર્ડ હેંગ ગ્લાઈડર્સનો સમાવેશ થાય છે. આ સાહસિક ટીમે અગાઉ કંડલા એરપોર્ટથી ઉડાણ ભરી હતી. મધ્યપ્રદેશના મહુથી ગત તા. ૧૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ શરૂ થયેલું આ વિશેષ અભિયાન આગામી તા. ૨૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ મહુ ખાતે જ સંપન્ન થવાનું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં આ દિલધડક પ્રદર્શન યોજાયું હતું.
આ સરાહનીય પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નેશનલ હાઈવેનું આધુનિક માળખું માત્ર સામાન્ય વાહનવ્યવહાર પૂરતું જ નહીં, પરંતુ યુદ્ધ કે કટોકટી જેવી ગંભીર પરિસ્થિતિઓમાં પણ ભારતીય સેના માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે તે દર્શાવવાનો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી અને સેના વચ્ચેના આ અદ્ભુત તાલમેલે સાબિત કરી દીધું છે કે આપણી સુરક્ષા વ્યવસ્થાઓ ગમે તેવા કપરા સંજોગોને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. હાઈવે પર વિમાનોના આ સફળ લેન્ડિંગને નિહાળવા માટે સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ ઘટનાએ દેશભરમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.
