રાજકોટની જાણીતી વિરાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં સહકાર ભારતી દ્વારા એક ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીપ પ્રાગટ્ય મહોત્સવમાં શહેરના નામાંકિત સહકારી આગેવાનો અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, જાણીતા સહકારી આગેવાન ટપુભાઈ લીંબાસીયા, નલિનભાઈ વસા, હરગોપાલસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ દવે, નયનાબેન મકવાણા, ડો. એન.ડી. શીલુ સહિતના અનેક દિગ્ગજોના હસ્તે કાર્યનો શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં સહકારિતા ક્ષેત્રના વિકાસ અને તેને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે આગામી સમયની રણનીતિ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર સંભાગની તમામ ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન, એમ.ડી. અને મેનેજરો માટે એક વિશેષ પરિણામલક્ષી અભ્યાસ વર્ગ યોજાશે. રાજકોટની સો ટકા ક્રેડિટ સોસાયટીઓના પદાધિકારીઓ આ અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત રહે તે માટે સહકાર ભારતી રાજકોટ મહાનગરના ચારેય ઝોનના પદાધિકારીઓ દ્વારા અત્યારથી જ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનાર સંમેલનને પણ અત્યંત સફળ બનાવવા માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારતીય સંસ્કૃતિ, વિક્રમ સંવત અને સહકારિતાના સાચા મર્મ વિશે અત્યંત માર્મિક અને પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. રાજા વિક્રમાદિત્યની વીરતા અને 'પરદુઃખભંજન'ની ભાવનાને યાદ કરી સહકારિતાના મૂળ ઉદ્દેશ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સહકારી પ્રવૃત્તિનો મુખ્ય હેતુ સમાજના આર્થિક રીતે નબળા અને પછાત વર્ગને શોષણમાંથી મુક્ત કરી પગભર કરવાનો છે. કોઈપણ સંસ્થા માટે વ્યાજબી નફો જરૂરી છે, પરંતુ તેનું અંતિમ લક્ષ્ય સેવાકાર્યો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવાનું જ હોવું જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
