અમેરિકન પ્રોફેશનલ બાસ્કેટબોલ લીગ (એનબીએ)માં પોતાની મહેનત અને દમદાર પ્રદર્શન માટે જાણીતા જોશ હાર્ટે હવે કોર્ટની બહાર પણ એક મોટું કદમ ઉઠાવ્યું છે. તેણે પોતાના પોડકાસ્ટના કો-હોસ્ટ અને બિઝનેસ પાર્ટનર મેટ હિલમેન સાથે મળીને ઇટાલીની નાપોલી બાસ્કેટબોલ ક્લબમાં મોટું આર્થિક રોકાણ કર્યું છે. જો કે આ સોદાના નાણાકીય આંકડાઓ કે હિસ્સાની ચોક્કસ ટકાવારી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સ્પોર્ટ્સ ટીમમાં જોશ હાર્ટનું આ પ્રથમ મોટું રોકાણ છે. આ ભાગીદારી દ્વારા તેઓ ક્લબના બોર્ડમાં મહત્વની ભૂમિકા ભજવશે અને ક્લબના સામાજિક, રમતગમત તેમજ વેપારી પાસાઓ મજબૂત કરવામાં સહયોગ કરશે.
આ રોકાણ માત્ર પુરુષોની ટીમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇટાલીની ટોચની ડિવિઝન અને યુરોકપમાં રમતી મેન્સ ટીમ તેમજ સેરી એ-૨માં ભાગ લેતી વિમેન્સ ટીમ બંનેનો સમાવેશ થાય છે. જોશ હાર્ટનું આ પગલું માત્ર આર્થિક ફાયદા પૂરતું નથી, પરંતુ તેને રમતગમતની દુનિયામાં ફ્રેન્ચાઇઝી ઓનર તરીકે લાંબી કારકિર્દી ઘડવાની તક મળી છે. તે રોજબરોજના વહીવટમાં ભાગ લેવાને બદલે પ્રતિભા મૂલ્યાંકન, પર્ફોર્મન્સ કલ્ચર અને બ્રાન્ડ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પોતાનો એનબીએનો અનુભવ અને ખેલાડીનો દ્રષ્ટિકોણ પૂરો પાડશે, જે નાપોલી ક્લબને યુરોપિયન સ્તરે વધુ ઊંચાઈ પર લઈ જવામાં મદદરૂપ સાબિત થશે.
નાપોલી ક્લબ સાથે જોડાવા પાછળ હાર્ટનો નાપોલી શહેર સાથેનો જૂનો લગાવ પણ એક મોટું કારણ છે, કારણ કે તે અગાઉ પણ અનેકવાર નેપલ્સ અને અમાલ્ફી કોસ્ટની મુલાકાતે આવી ચૂક્યા છે. આ ઉપરાંત, ક્લબ આગામી સમયમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં એક અત્યાધુનિક નવા સ્પોર્ટ્સ એરેનાનું નિર્માણ કરવા માટે પણ યોજના બનાવી રહી છે, જેના પ્રસ્તાવો મ્યુનિસિપાલિટીમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. એનબીએમાં પોતાની રમત ચાલુ રાખીને હાર્ટ હવે બાસ્કેટબોલ જગતમાં એક નવા ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી રહ્યા છે, જે નાપોલી ક્લબને વૈશ્વિક સ્તરે એક મજબૂત બ્રાન્ડ બનાવવાના લાંબાગાળાના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
