દેશભરમાં સહકાર સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી અને મનુભાઈ તથા તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત 'રેડિયો રાજકોટ 89.6 એફએમ' એ હંમેશાંની જેમ સમાજ ઉપયોગી અને રચનાત્મક અભિગમ અપનાવ્યો છે. સ્ટેશન ડાયરેક્ટર પથિક વ્યાસ અને ઓડિયો-વિડિયો પ્રોડક્શનના કરણ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ રેડિયો સ્ટેશને માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત ન રહેતા લોકજાગૃતિ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક જતનને પ્રાથમિકતા આપી છે. "સમાજનો, સમાજ દ્વારા અને સમાજ માટે" ચાલતા આ રેડિયોએ સહકાર સપ્તાહ નિમિત્તે શ્રોતાઓને સહકારી ક્ષેત્રની તાકાતથી માહિતગાર કરવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.
આ વિશેષ કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્રના જાણીતા સહકારી અગ્રણીઓ અને તજજ્ઞોએ પોતાના કિંમતી વિચારો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. ડਾ. હિતેશભાઈ શુક્લાએ સહકારી ક્ષેત્રે સંશોધન, શિક્ષણ અને વર્તમાન પડકારો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે અબર્ન કો-ઓપરેટીવ બેન્કોની ભૂમિકા, ડિજિટાઈઝેશન અને આગામી પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત, ધરતી કો-ઓપરેટીવ બેંકના એમ.ડી. રાજુભાઈ ભંડેરી, સહકાર ભારતી રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. એન.ડી. શીલુ, શિક્ષણશાસ્ત્રી અને અવધૂત ક્રેડિટ સોસાયટીના ચેરમેન ડો. પ્રવીણભાઈ નિમાવત તેમજ સંગઠન પ્રમુખ જયેશભાઈ સંઘાણીએ ક્રેડિટ સોસાયટીઓની કાર્યપદ્ધતિ અને "વિના સંસ્કાર નહીં સહકાર" ના ધ્યેય મંત્ર વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ તમામ અગ્રણીઓના ઇન્ટરવ્યુ દ્વારા 'સહકારથી સમૃદ્ધિ' ના મંત્રને સાર્થક કરવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંયુક્ત પરિવારની ભાવના એ જ સહકારિતાનું અસલી રૂપ છે અને ભારતની આર્થિક સમૃદ્ધિ પણ સહકારના પાયા પર જ ટકેલી છે તેવું આ અહેવાલમાં ફલિત થાય છે. રેડિયો રાજકોટ 89.6 એફએમે આવા સચોટ અને વિષયાધારિત કાર્યક્રમોનું પ્રસારણ કરીને સામાજિક પરિવર્તનમાં મીડિયાની સાચી ભૂમિકા અદા કરી છે, જેના કારણે આજે આ રેડિયો સ્ટેશન સૌરાષ્ટ્રભરમાં લોકઆકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
