રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સિઝનલ ધંધાઓ માટે માલિકીના પ્લોટ હંગામી ધોરણે ભાડે આપવામાં આવતા હોય છે, પરંતુ આ પ્રક્રિયામાં લાંબા સમયથી ભ્રષ્ટાચાર અને 'ફિક્સિંગ' ચાલતું હોવાની ગંભીર ફરિયાદો મેયર ડૉ. નેહલ શુક્લ સુધી પહોંચી હતી. અત્યાર સુધી અમલમાં રહેલી 'વહેલા તે પહેલાના ધોરણે' જગ્યા ફાળવવાની પદ્ધતિનો ગેરલાભ લઈને કેટલાક ચોક્કસ અને લાગતા-વળગતા લોકો જ વર્ષોથી આ પ્લોટ પર કબજો જમાવી બેસતા હતા. સામાન્ય વેપારીઓ અને અરજદારોને આ પ્રક્રિયામાં જાણી જોઈને વંચિત રાખવામાં આવતા હોવાનું ધ્યાને આવતા તંત્રની કામદિગી સામે સવાલો ઉભા થયા હતા.
આ ગંભીર ફરિયાદોને ધ્યાને લઈને મેયર ડૉ. નેહલ શુક્લે એસ્ટેટ શાખાને તાત્કાલિક અસરથી આ જૂની અને લોલંલોલ પદ્ધતિને સદંતર બંધ કરવા માટે કડક સૂચનાઓ જારી કરી દીધી છે. નવરાત્રી મહોત્સવ અને ફટાકડા બજારની ફાળવણી માટે જેવી પારદર્શક પદ્ધતિ અપનાવવામાં આવે છે, બરાબર તે જ तर्ज પર હવે મસાલા માર્કેટ, ગરમ વસ્ત્રો અને અન્ય તમામ સિઝનલ ધંધાઓ માટેના પ્લોટ ફાળવવામાં આવશે. જો કોઈ એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજદારો મેદાનમાં હશે, તો સૌથી ઊંચી ભાવ-ઓફર કરનારને અથવા ખુલ્લી હરાજીની પ્રક્રિયા દ્વારા જ પ્લોટની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવશે.
નવા અને પારદર્શક નિયમોના અમલીકરણથી માત્ર ભ્રષ્ટાચાર પર જ રોક નહીં લાગે, પરંતુ મહાનગરપાલિકાની તિજોરીની આવકમાં પણ મોટો વધારો થવાની પૂરી સંભાવના છે. ઉનાળાની સિઝનમાં મસાલા માર્કેટ અને અન્ય હંગામી વ્યવસાયો માટે ખુલ્લા પ્લોટની ભારે માંગ રહેતી હોય છે, ત્યારે આ સુધારાત્મક પગલાથી તમામ નાના-મોટા વેપારીઓને સમાન તક મળી રહેશે. મેયરના આ અચાનક અને કડક નિર્ણયથી મનપાના ભ્રષ્ટ વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે જ્યારે સામાન્ય પ્રજા અને વેપારી વર્ગમાં પ્રશંસાની લાગણી ફેલાઈ છે.
