આજના ડિજિટલ યુગમાં લેપટોપ અને ડેસ્કટોપ પર કામ કરતી વખતે મોટાભાગના લોકો વોટ્સએપ વેબનો ઉપયોગ કરતા હોય છે. જોકે, આ સગવડ ઘણીવાર ભારે પણ પડી શકે છે. જો તમે વોટ્સએપ વેબ દ્વારા બેંક વિગતો, ઓટીપી, પાસવર્ડ કે અન્ય વ્યક્તિગત દસ્તાવેજો શેર કરો છો, તો સાવચેત થવાની જરૂર છે. આ પ્રકારની નાની બેદરકારી સાયબર ગુનેગારો માટે મોટી તક બની શકે છે અને તમારું બેંક ખાતું ગણતરીની મિનિટોમાં ખાલી થઈ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા તમામ યુઝર્સ માટે મહત્વપૂર્ણ ચેતવણી જારી કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા મુજબ, કામ પત્યા બાદ સેશન ખુલ્લું રાખવું એ સાયબર ઠગોને સામેથી આમંત્રણ આપવા સમાન છે.
I4Cના નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU)ના અહેવાલ મુજબ, હેકર્સ ચાલુ સત્રનો દુરુપયોગ કરીને એકાઉન્ટ પર કબજો મેળવી શકે છે. એકવાર એક્સેસ મળી ગયા બાદ તેઓ ખાનગી મેસેજ, બેંક સ્ટેટમેન્ટ કે અંગત દસ્તાવેજો ચોરવાની સાથે તમારી ઓળખનો પણ દુરુપયોગ કરે છે. તેઓ તમારા નંબર પરથી મિત્રો, પરિવારજનો અને ઓફિસના ગ્રુપ્સમાં ફિશિંગ લિંક્સ મોકલીને અન્ય લોકોને પણ શિકાર બનાવી શકે છે. ખાસ કરીને ઓફિસના કમ્પ્યુટર, શેર કરેલી સિસ્ટમ કે જાહેર સ્થળોના કોમ્પ્યુટર પર વોટ્સએપ વેબ વાપરવું સૌથી વધુ જોખમી છે. ઉતાવળમાં લોગ આઉટ કરવાનું ભૂલી જવાના કારણે પાછળથી તે સિસ્ટમ વાપરનાર વ્યક્તિ તમારા એકાઉન્ટનું સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.
તમારા વોટ્સએપ એકાઉન્ટ અને બેંક ખાતાને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કમ્પ્યુટર પર ક્યારેય પણ બેંક વિગતો, એટીએમ પિન, પાસવર્ડ કે આધાર-પાન કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો શેર ન કરવા. કામ પૂર્ણ થયા બાદ બ્રાઉઝરની ટેબ બંધ કરવાને બદલે સેટિંગ્સમાં જઈને મેન્યુઅલી 'Log out' કરવું અનિવાર્ય છે. જો અસુરક્ષિત કે સાર્વજનિક કમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડે, તો હંમેશાં 'ઇન્કોગ્નિટો' મોડનો જ ઉપયોગ કરવો. ઉપરાંત, 'Linked Devices' ના વિકલ્પ દ્વારા સમયાંતરે તપાસ કરવી અને શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત તમામ ઉપકરણોમાંથી લોગ આઉટ થઈ જવું, જેથી સાયબર જોખમોથી બચી શકાય.
