મેચની વિગતો અનુસાર, ભારત A ની ટીમ ૩૧૪ રનના મોટા લક્ષ્યનો પિછો કરી રહી હતી અને શરૂઆતમાં જ ૧૨૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન તિલક વર્માએ શાનદાર સંઘર્ષ કરતા ૧૪૯ બોલમાં ૧૦૦ રનની સદી ફટકારી હતી અને શાહબાઝ અહેમદ (૫૬ રન) સાથે મળીને સાતમી વિકેટ માટે ૧૧૨ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. જોકે, ટીમ ૪૯.૧ ઓવરમાં ૨૬૫ રનમાં ઓલઆઉ થઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. હાર બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં તિલકે શાહબાઝના આઉટ થવા અંગે નિવેદન આપ્યું હતું કે જો શાહબાઝ થોડી વધુ ઓવરો ક્રિઝ પર ટક્યો હોત, તો તેઓ મેચ ફિનિશ કરી શક્યા હોત. તિલકના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા અને ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે કેપ્ટને જાહેરમાં પોતાના સાથી ખેલાડી પર દોષનો ટોપલો ઢોળવો જોઈએ નહીં.
આ ઉપરાંત, તિલક વર્માની આ ઇનિંગ્સ તેના ધીમા રન રેટને કારણે પણ આલોચનાના ઘેરાવામાં આવી હતી. તેણે લિસ્ટ A ક્રિકેટમાં ભારત તરફથી બીજી સૌથી ધીમી સદી ફટકારતા ૧૪૦ બોલમાં સેન્ચ્યુરી પૂરી કરી હતી, જ્યારે તેની અડધી સદી ૯૫ બોલમાં આવી હતી. મેચની શરૂઆતમાં અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા માત્ર ૩૪ બોલમાં ૬૦ રન ફટકાર્યા હતા, ત્યારે તિલકે તે જ બોલ પર માત્ર ૬ રન જ બનાવ્યા હતા. તિલકની આ ધીમી બેટિંગના કારણે અન્ય બેટ્સમેનો પર જરૂરી રન રેટ જાળવી રાખવાનું ભારે દબાણ આવી ગયું હતું, જેના પરિણામે અભિષેક અને શાહબાઝ ઝડપથી રન બનાવવાની કોશિશમાં પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. મેચ હાર્યા બાદ તિલકે સ્વીકાર્યું હતું કે વ્યક્તિગત સદી કરતા ટીમની જીત મહત્વની છે અને કેપ્ટન તરીકે આ જવાબદારી તેણે લેવી જોઈએ, પરંતુ તેમનું જાહેર નિવેદન ચર્ચાનો વિષય બન્યું હતું.
આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા પૂર્વ ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણેએ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર વાતચીત દરમિયાન તિલક વર્માની જાહેરમાં આપવામાં આવેલી ટિપ્પણીઓની ટીકા કરી હતી. રહાણેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ ખેલાડી એવું નથી ઈચ્છતો કે તેના વિશે દુનિયાની સામે આ પ્રકારે નકારાત્મક ચર્ચા થાય. જો કોઈ ખેલાડીની રમત અંગે કોઈ ફિડબેક કે ચિંતા હોય, તો તે હંમેશા ડ્રેસિંગ રૂમની ચાર દીવાલોની અંદર જ થવી જોઈએ જેથી ખેલાડીઓનોત્મવિશ્વાસ વધે. રહાણેએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મેચ હાર્યા બાદ કેપ્ટન માટે પ્રેઝન્ટેશનમાં બોલવું મુશ્કેલ હોય છે અને ઘણીવાર મગજમાં ચાલતા વિચારોને બદલે બીજું કંઈક બોલાઈ જતું હોય છે. પરંતુ તેમણે આ ઘટનાને યુવા તિલક વર્મા માટે એક શીખ સમાન ગણાવી હતી કે ભવિષ્યમાં મુશ્કેલ પરિસ્થિતિઓ અને હાર બાદ ખેલાડીઓ સાથે કેવી રીતે સંવાદ સાધવો.
