ઘટનાની વિગત મુજબ, જામનગરના એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ ૨૦૨૪-૨૫નું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું હતું જેમાં નીકળેલી ક્વેરી અંગે કંપની દ્વારા યોગ્ય ખુલાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તે માન્ય પણ રહ્યા હતા જેથી મામલો શાંત પડી ગયો હતો. પરંતુ, અમદાવાદ સ્થિત ઓડિટ ભવનમાં ક્લાસ-બી અધિકારી તરીકે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વીનસકુમાર અમરચંદ સાવરીયાએ આ મામલે સંપર્ક સાધ્યો હતો. તેમણે આ ફાઇલ અથવા ક્લોઝ થયેલું એસેસમેન્ટ ઓડિટ માટે ફરીથી રિઓપન કરવાની ધમકી આપી હતી અને તે ન કરવાના અવેજમાં માતબર રકમની માગણી કરી હતી.
આ લાંચની રકમ આપવા ન માગતા જામનગરના જાગૃત આસામીએ સમગ્ર મામલે લાંચ રૂશ્વત વિરોધી શાખા (એસીબી) સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે રાજકોટ એસીબીના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીના પીઆઈ એ.આર.ગોહિલ અને તેમની ટીમે સુભાષ બ્રિજ પાસે આવેલા રાજપાર્ક સામેના ઇન્કમટેક્સ બિલ્ડીંગ નજીક એક સફળ છટકું ગોઠવ્યું હતું. પૂર્વ આયોજિત યોજના મુજબ જ્યારે અમદાવાદથી ખાસ કાર લઈને આવેલા ઓડિટ ઓફિસર વીનસકુમાર સાવરીયાએ ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયાની રોકડ સ્વીકારી, તે જ ક્ષણે એસીબીની ટીમે સ્થળ પર જ દરોડો પાડીને તેમને લાંચની રકમ સાથે ઝડપી લીધા હતા.
એસીબીની ટીમે આરોપી અધિકારી પાસેથી આઠ લાખની રોકડ રકમ કબજે કરીને તેમની અટકાયત કરી હતી અને કચેરીએ લાવી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ હવે આ ભ્રષ્ટ અધિકારીના રહેણાંક મકાનો, અન્ય સ્થળો તેમજ બેંક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ કોર્ટમાં રજૂ કરીને આરોપીના રિમાન્ડ મેળવવાની અને આ કૌભાંડમાં સંભવિત અન્ય લોકોની સંડોવણી અંગે સઘન પૂછપરછ કરવાની કાનૂની તજવીજ તેજ કરવામાં આવી છે.
